અનિલ અંબાણીની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અનિલ અંબાણીના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પહેલી ધરપકડ કરી છે.
અનિલ અંબાણીની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અનિલ અંબાણીના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પહેલી ધરપકડ કરી છે. શુક્રવારે ઇડી એ બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ (બીટીપીએલ) ના એમડી પાર્થ સારથી બિસ્વાલની અટકાયત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તપાસમાં ખુલાસો થયો છે કે બીટીપીએલ એ ૬૮.૨ કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ખોટા સમર્થન અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસઈસીઆઈ) ના ટેન્ડર માટે ખોટા પુષ્ટિકરણ રજૂ કર્યા હતા. આ બેંક ગેરંટીના બદલામાં બીટીપીએલ ને રિલાયન્સ પાવર લિમિટેડ પાસેથી ૫.૪૦ કરોડ રૂપિયા મળ્યા હતા.’
પાર્થ સારથી બિસ્વાલ કોણ છે?
પાર્થ સારથી બિસ્વાલ ઓડિશાના ભુવનેશ્વર સ્થિત બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ (બીટીપીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) છે. આ કંપની ૨૦૧૯ માં શરૂ થઈ હતી.
ઇડી એ અનિલ અંબાણીને ૫ ઓગસ્ટે સમન્સ પાઠવ્યું
મુંબઈમાં અનિલ અંબાણી સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યાના સાત દિવસ પછી ઇડી એ ઉદ્યોગપતિને ૫ ઓગસ્ટે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ કંપનીઓ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવ્યું છે. ઇડી એ તેમને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) પણ જારી કર્યો છે.