૫ ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે.
વર્ષ ૨૦૧૯ માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આ વખતે એવી અટકળો હતી કે પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવી શકે છે. જોકે આ મામલે સરકાર કે સત્તા પક્ષ તરફથી કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નહોતી. સોશિયલ મીડિયામાં તો કેટલાક લોકો જમ્મુને પૂર્ણ રાજ્ય અને કાશ્મીરને કેન્દ્ર શાસિત કરી દેવાશે તેવી પણ ચર્ચા કરી. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તો અટકળો અને ચર્ચાઓ વધુ તેજ બની. જોકે હવે ઓમર અબ્દુલ્લાહે પોસ્ટ કરીને તમામ અટકળો પર વિરામ લગાવ્યો છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે એક્સ પર પોસ્ટ કરી કહ્યું છે, કે ‘જમ્મુ કાશ્મીરમાં શું થવાનું છે તેને લઈને તમામ સંભાવનાઓ સાંભળી લીધી. સૌભાગ્યથી કશું ખરાબ નથી થવાનું અને દુર્ભાગ્યથી કશું સકારાત્મક પણ નહીં થાય. હું હજુ પણ ચોમાસું સત્રમાં જમ્મુ કાશ્મીરને લઈને કોઈ સકારાત્મક નિર્ણય માટે આશાવાદી છું, પણ ( ૫ ઓગસ્ટે ) જ થશે એવું મને નથી લાગતું. મેં દિલ્હીના લોકો સાથે કોઈ મુલાકાત કે વાતચીત નથી કરી. જોઈએ ૫ ઓગસ્ટે શું થાય છે.’
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ બે કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા, જમ્મુ અને કાશ્મીર તથા લદાખ. જે બાદથી જ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ચાલી રહી છે.