વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે. તેમને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયા પાસેથી તેલની આયાત અંગે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ભારત પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું કારણ કે જે દેશમાં પહેલા તેલ મળતું હતું તે હવે યુદ્ધને કારણે યુરોપમાં મોકલવામાં આવી રહ્યું હતું. જયસ્વાલે કહ્યું કે તે સમયે અમેરિકાએ પણ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા આવે. ભારત રશિયા પાસેથી જે તેલ આયાત કરી રહ્યું છે તેનો હેતુ દેશના ગ્રાહકોને સસ્તી અને વિશ્વસનીય ઉર્જા પૂરી પાડવાનો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર ટેરિફ મોટા પાયે વધારવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને તેને અન્ય દેશોને વેચી રહ્યું છે અને તેમાંથી મોટો નફો કમાઈ રહ્યું છે. ગયા અઠવાડિયે, ટ્રમ્પે ભારતીય આયાત પર ૨૫ % ટેરિફ તેમજ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવા પર દંડની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, ભારત માત્ર રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું નથી, પરંતુ તે તેલનો મોટો ભાગ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. આ સાથે, ટ્રમ્પે કહ્યું, ભારતને તેની પરવા નથી કે યુક્રેનમાં રશિયાના યુદ્ધ મશીનથી કેટલા લોકો માર્યા જાય છે. એટલા માટે હું અમેરિકામાં ભારતીય માલ પર ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ આભાર!