ઉત્તરકાશી જિલ્લામાં ધરાલી ગામમાં વાદળ ફાટવાને કારણે ખીર ગંગા નદીમાં પૂર આવવાથી પાંચ લોકોના મોત થઈ ગયા અને કેટલાક લોકો ફસાઈ ગયા. પૂરને કારણે કેટલાય મકાનો અને હોટલ પણ નષ્ટ થઈ ગઈ.
ઉત્તરકાશીના ધરાલી ગામમાં મંગળવારે એક મોટી કુદરતી આફત આવી પડી. અહીં વાદળ ફાટવાને કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ આફતમાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જયારે લગભગ ૭૦ લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ધરાલી ગામમાં જ ૧૦૦ લોકો ફસાયેલા છે. અહીં રાહત અને બચાવ કામ સતત ચાલી રહ્યું છે. સેના, NDRF, SDRF અને જિલ્લા પોલીસ-તંત્રની ટીમ આ લોકોને સલામત સ્થળોએ પહોંચાડી રહી છે. માહિતી અનુસાર ITBPએ અત્યાર સુધીમાં 80 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને કોપાંગમાં રિલીફ કેમ્પમાં રાખ્યા છે.
તાજેતરની સ્થિતિ એવી છે કે પહાડો પરથી અટકી-અટકીને કાટમાળ આવી રહ્યો છે, જેના કારણે ટીમને બચાવ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. હર્ષિલ જવાના રસ્તા પર ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. કુદરતી આફતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે હાથ ધરવા માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્રએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકોની મદદ કરવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો આ નંબરો પર સંપર્ક કરી શકે છે – ૦૧૩૭૪૨૨૨૭૨૨, ૦૧૩૭૪૨૨૨૧૨૬, ૯૪૫૬૫૫૬૪૩૧.
ધરાલી ગામ નજીક ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી ૨૦-૨૫ હોટલ, હોમસ્ટે અને ઘરો ઘાસના તણખલાંની જેમ વહી ગયા. તંત્ર સતત અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યું છે. ITBP, NDRF ની બે ટીમો અને સેનાની એક ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે. સેનાની ટીમમાં લગભગ ૮૦ સૈનિકોનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કાર્ય માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિશેષ પોલીસ દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. બે IG, ત્રણ SP, એક કમાન્ડન્ટ, ૧૧ ડેપ્યુટી SP સહિત ૩૦૦પોલીસ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
મંગળવારે બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધીમાં એવું વાદળ ફાટ્યું કે ધરાલી ગામનું નામ અને નિશાન ભૂંસાઈ ગયું. આ ગામ ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. જયારે પણ ચારધામ યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ ગંગોત્રી દર્શન માટે જાય છે, ત્યારે તેઓ આ ગામમાં પણ રોકાય છે. અહીં હોટલ, રેસ્ટોરન્ટ, હોમસ્ટે, દુકાનો, ઘરો અને બધું જ છે. મંગળવારે પણ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોની દિનચર્યા પહેલા જેવી જ ચાલી રહી હતી, જયારે વાદળ ફાટ્યું અને પોતાની સાથે ગામને તબાહ કરી ગયું.
ઉત્તરકાશીમાં સતત ભારે વરસાદને કારણે, ભાગીરથી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
એક સાથે ત્રણ જગ્યાએ વાદળો ફાટવાને કારણે ઘણી વધારે તબાહી થઈ. પહેલા ધરાલી ગામમાં ખેડા ગઢ પાસે વાદળ ફાટવાને કારણે ભાગીરથી નદી તળાવમાં ફેરવાઈ ગઈ. પછી હર્ષિલ વિસ્તારમાં તાલ ગઢમાં પણ ભૂસ્ખલન થયું. આ પછી, સુખી ટોપની સામે ભેલા ગાડમાં વાદળ ફાટવાથી ભારે પૂર આવ્યું. ત્રણ સ્થળોમાંથી સૌથી વધુ નુકસાન ધરાલી ગામમાં થયું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને ધરાલીમાં અચાનક આવેલા પૂર અંગે પૂછપરછ કરી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સાત રેસ્ક્યુ ટીમ મોકલવાનો આદેશ આપ્યો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ત્રણ સીનીયર અધિકારીઓ – મેહરબાન સિંહ બિષ્ટ, અભિષેક રૂહેલા અને ગૌરવ કુમારને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેઓ ઉત્તરકાશી જઈને બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરશે.