અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ % ટેરિફ બોંબ ઝિંક્યા બાદ વિપક્ષોએ મોદી સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પે ગુસ્સામાં આવીને ભારત પર વધુ ૨૫ % ટેરિફ ઝિંકવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વધુ ટેરિફ ઝિંક્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર શરૂ કરી દીધા છે.
ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ કોંગ્રેસે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કટાક્ષ કરતા લખ્યું છે કે, નરેન્દ્ર મોદીના દોસ્ત ટ્રમ્પે હવે ભારત પર ૫૦ % ટેરિફ લાદ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ટ્રમ્પ સતત ભારત વિરોધી પગલા ભરી રહ્યા છે, પરંતુ મોદી તેમનું નામ પણ લેતા નથી. કોંગ્રેસે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એ ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિને ભારત પર અમેરિકાનું આર્થિક બ્લેકમેલ ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ ભારતને અન્યાયી વેપાર સોદા માટે દબાણ કરવાનો પ્રયાસ છે. રાહુલે આ પગલાને અમેરિકન ગુંડાગીરી ગણાવી અને ભારતીય હિતોના રક્ષણની માગ કરી. રાહુલે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું.
પીએમ મોદીએ પોતાની “નબળાઈ”ને ભારતીય લોકોના હિત પર હાવી ન થવા દેવો જોઈએ. રાહુલે સૂચન કર્યું કે, પીએમ મોદીએ મજબૂત વલણ અપનાવવું જોઈએ અને અમેરિકન દબાણનો જવાબ આપવો જોઈએ અને ફક્ત સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રના કરારો પર આધાર રાખવો જોઈએ નહીં. તેમણે ચેતવણી આપી કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નાના ઉદ્યોગો અને નિકાસ પર ઊંડી અસર પડશે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ટેરિફ મામલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘એક ટોળું એવું છે, જે અમેરિકાના એરપોર્ટ પર પહોંચેલા મોદીજી માટે નારા લગાવી રહ્યા છે, તેમના દર્શન કરી ધન્ય થઈ જાય છે, તેમના સ્પર્શ માત્રથી તરી જાય છે, અમૃતકાળની વાત કરતા કરતા અશ્રુધારા અટકતી નથી, પોતે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી કેમેરા પર ભારત માતાની જયના નારા લગાવે છે, હવે તે ટોળું ગાયબ થઈ ગયું છે. આ લોકો ટ્રમ્પની હિન્દુસ્તાન વિરોધી વાતો અને નિર્ણયો પર બિલકુલ ચુપ થઈ ગયા છે.’
શ્રીનેતે વધુમાં લખ્યું છે કે, ‘’ભાઈ, આટલો સન્નાટો કેમ છે? દેશ માટે કંઈ નહીં બોલો? શું દેશના અપમાન વિરુદ્ધ ઉભા નહીં થાવ? લોહી છે કે પાણી? કે પછી આકાની જેમ તમે બધા પણ ડરો છો? તમામ રાષ્ટ્રભક્તિ માત્ર કેમેરા સુધઈ જ સીમિત છે? આવા લોકોએ મોદીજીના સમર્થનમાં પોતાની વિદેશી નાગરિકતા ત્યાગ કરીને તાત્કાલીક ભારત આવી જવું જોઈએ.’
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર-૨૦૧૯ માં અમેરિાક ગયા અને હ્યુસ્ટનમાં હાઉદી મોદી કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ તમામ પરંપરાઓને અવગણીને જાહેર મંચ પર જાહેરાત કરી હતી કે, અબ કી બાર, ટ્રમ્પ સરકાર! ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૨૦ માં વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માનમાં ભવ્ય ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની યજમાની કરી હતી.’
શિવસેના યુબીટી ના નેતા અને ઉદ્ધવ ઠાકરે ના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ટેરિફ મામલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. આદિત્યએ કહ્યું કે, ‘ટ્રમ્પ સતત આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આપણા દેશમાંથી વડાપ્રધાન મોદી સહિત કોઈપણ મંત્રી જવાબ આપી રહ્યા નથી. તમામ મંત્રી ચુપ કેમ છે? તેમણે સવાલ કરીને કહ્યું કે, શું અમેરિકા સાથે ભારતનો વેપાર સમજૂતી થયો છે કે નહીં?’