બેંગ્લોરે ૮ વિકેટે ૧૪૯ રનના લો સ્કોર છતાં પણ હૈદરાબાદ સામે છ રને વિજય મેળવ્યો હતો. બેંગ્લોરે આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદ ૯ વિકેટે ૧૪૩ રન જ કરી શક્યું હતું. હૈદરાબાદ એક સમયે એક વિકેટે ૯૬ રને મેચ સરળતાથી જીતી જાય તેમ લાગતુ હતુ, પરંતુ શાહબાઝ નદીમે ફક્ત બે ઓવરમાં સાત રન આપી ૩ વિકેટ ઝડપતા અને સિરાજે બે વિકેટ ઝડપી તેને ટેકો આપતા હૈદરાબાદનો ધબડકો થયો હતો. હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૬ રન જોઇતા હતા. હર્ષલે એક નોબોલ નાખ્યો હોવા છતાં પણ હૈદરાબાદ છ બોલમાં નવ જ રન કરી શક્યું હતું અને તેણે બે વિકેટ ગુમાવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને રોયલ ચેલેન્જ બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યા બાદ બેંગ્લોરે સાવધાનીપૂર્વક પ્રારંભ કર્યો હતો. હૈદરાબાદની ચુસ્ત બોલિંગ સામે છૂટ લેવાનો પ્રયાસ કરવા જતાં ટીમમાં પુનરાગમન કરનારો પડિક્કલ આઉટ થયો હતો. પછીના ક્રમે આવેલો શાહબાઝ પણ ખાસ પ્રભાવ પાડી ન શકતા ૧૪ રન કરી આઉટ થઈ ગયો હતો.
કેપ્ટન કોહલી અને મેક્સવેલ વચ્ચે ત્રીજી વિકેટની ૪૪ રનની ભાગીદારીએ બેંગ્લોર માટે મોટા સ્કોરની આશા ઊભી કરી હતી. પણ કોહલી અને તેના પછી ડીવિલિયર્સ ઝડપથી આઉટ થયા બાદ બેંગ્લોરે બીજા છેડે નિયમિત અંતરે વિકેટો ગુમાવવા માંડી હતી. ફક્ત મેક્સવેલ જ એક છેડો સાચવીને છેક સુધી ઊભો રહ્યો હતો. તેણે ૪૧ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૯ રન કર્યા હતા અને અંતિમ વિકેટના સ્વરૃપમાં આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી હોલ્ડરે ત્રણ, રશીદ ખાને બે, ભુવનેશ્વરકુમાર, નટરાજન અને નદીમે એક-એક વિકેટ ઝડપી હતી.