ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે કહ્યું – જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની બાબત છે. દેશ હંમેશા પહેલા આવે છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે ભારતીય ક્રિકેટ ટીમને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી આગામી એશિયા કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે. હરભજન એ ભારતીય ચેમ્પિયન ટીમનો ભાગ હતો જેણે તાજેતરમાં રમાયેલી લેજન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે રમવાનો ઈન્કાર કરી દીધો હતો, જેમાં સેમિ ફાઈનલ પણ સામેલ હતી.
પાકિસ્તાન સામે રમવાનો ઇન્કાર કર્યો હતો
પ્રથમ ડબલ્યુસીએલ ટૂર્નામેન્ટ જીત્યા બાદ ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન બન્યું હતું, પરંતુ કેપ્ટન યુવરાજ સિંહ, શિખર ધવન અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ પાકિસ્તાન સાથે રમવાના વિરોધમાં હોવાથી ભારતીય ચેમ્પિયન્સ ટીમે સેમિ ફાઇનલ મેચ છોડી દીધી હતી અને પાકિસ્તાનને ફાઇનલમાં જવા દીધું હતું. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં પણ તેના કટ્ટર હરિફ સામેની મેચમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. ફાઇનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
દેશની ગરિમા સામે ક્રિકેટ ફિક્કું – હરભજન સિંહ
હરભજન સિંહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓએ (ભારતીય ટીમે) એ સમજવાની જરૂર છે કે શું જરૂરી છે અને શું નથી. આ બિલકુલ સીધી વાત છે. મારા માટે સરહદ પર ઉભા રહેલા સૈનિકોના બલિદાન, જેમના પરિવારો ઘણીવાર તેમને મળી શકતા નથી, જેઓ ક્યારેક પોતાનો જીવ આપી દે છે અને ક્યારેય ઘરે પાછા ફરતા નથી. તેમનું બલિદાન આપણા બધા માટે ઘણું મોટું છે. તેની સરખામણીએ એ સાવ નાની બાબત છે કે આપણે એક ક્રિકેટ મેચ રમવાનું છોડી શકીએ નહીં. આ ઘણી નાની વાત છે.