અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને નહીં રોકે તો તેને “ખૂબ જ ગંભીર” પરિણામોનો સામનો કરવો પડશે. બુધવારે કેનેડી સેન્ટર ખાતે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘જો રશિયા યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.’
પત્રકારે પૂછ્યું કે, શુક્રવારની તમારી મુલાકાત પછી જો વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો રશિયાને કોઈ પરિણામ ભોગવવા પડશે? તો ટ્રમ્પે જવાબ આપ્યો – હા, ‘રશિયાને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પરિણામોમાં ટેરિફ અને પ્રતિબંધોનો સમાવેશ થશે. મારે તમને કહેવાની જરૂર નથી કે પરિણામો ખૂબ ગંભીર હશે.’
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ૧૫ ઓગસ્ટે અલાસ્કામાં રશિયન રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત પહેલા આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ બીજી બેઠક માટે પણ લોબિંગ કરશે જેમાં યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી પણ સામેલ હશે. જો પહેલી બેઠક સારી રહી, તો અમે ટૂંક સમયમાં બીજી બેઠક કરીશું. હું તે તાત્કાલિક જ કરવા માગુ છું, અને જો તેઓ મને ત્યાં બોલાવવા માંગતા હોય, તો રાષ્ટ્ર પ્રમુખ પુતિન, રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સકી અને મારી વચ્ચે ટૂંક સમયમાં બીજી મુલાકાત થશે.’