ઉત્તરકાશીના ધરાલીમાં આભ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો ત્યાં જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે આભ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા.
લોકોના મકાનો, લંગરના સ્થળો, વાહનો જાણે રમકડાં બની ગયા હતા અને ભયાનક પૂરમાં તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ૫૦ થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે જ્યારે લગભગ ૧૨૦ લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ચિંતાની વાત એ છે કે ૨૦૦ થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો, લંગર કામદારો અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર કાટમાળ નીચેથી ૧૬૭ લોકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન, સેના અને સુરક્ષા દળોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. યાત્રા માર્ગ પર અંધારાને કારણે રાત્રે કામગીરી બંધ કરવી પડી હતી.
શુક્રવારે સવારે ફરી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, ૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારી મચૈલ યાત્રા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. જોકે આ યાત્રા માટે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ આવે છે, પરંતુ પ્રાથમિક તપાસમાં, મોટાભાગના મૃતકો અને ઘાયલો જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ છે.
કિશ્તવાડ જિલ્લો જમ્મુથી લગભગ ૧૧૫ કિમી દૂર છે અને મચૈલ ગામ તેનાથી ૯૫ કિમી દૂર છે. મચૈલ યાત્રા ૨૫ જુલાઈએ શરૂ થઈ હતી, જે ૪૩ દિવસ સુધી ચાલુ રહેવાની હતી. યાત્રા સતત ચાલી રહી હતી અને વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી પણ જારી કરી હતી. ગુરુવારે બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે વરસાદ વચ્ચે મચૈલ માતાના મંદિરથી લગભગ આઠ કિલોમીટર પહેલા, ચિશોતી વિસ્તારના ઉપરના પર્વતો પર અચાનક વાદળ ફાટ્યું. તેના કારણે ચિશોતી નાળામાં ભારે પૂર આવ્યું, જે કાદવ અને કાટમાળ સાથે લઈને ધસી આવ્યું. જેના કારણે અડધું ચિશોતી ગામ પાણીમાં ડૂબી ગયું.