અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડોમીર ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, અમે યુદ્ધ અટકાવવા માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. તો ટ્રમ્પે પણ કહ્યું છે કે, હું બેઠક પુર્ણ થયા બાદ પુતિનને ફોન કરીશ. આપણા વચ્ચે (અમેરિકા, યુક્રેન, રશિયા) ત્રિપક્ષીય બેઠક યોજાય કે ન યોજાય કે પછી યુદ્ધ ચાલુ રહે, પરંતુ આપણા માટે યુદ્ધ અટકાવવાની આ સારી તક છે. આ પહેલા ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ પહોંચતા જ ટ્રમ્પે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તો ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાના પ્રયાસ મામલે આભાર માન્યો છે.
બેઠક દરમિયાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘લોકો મરી રહ્યા છે અને અમે તેને રોકવા માંગીએ છીએ. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ઓળખું છું, હું ખુદને પણ ઓળખું છું. મને વિશ્વાસ છે કે પુતિન પણ યુદ્ધ સમાપ્ત થતું જોવા માંગે છે. શાંતિ કાયમી હોવી જોઈએ, બે વર્ષની ટૂંકાગાળાની નહીં. અમેરિકા યુક્રેન સહિત અન્ય તમામ દેશો સાથે મળીને કામ કરશે, જેથી લાંબા સમય સુધી ટકી રહે તેવી શાંતિ સ્થાપી શકાય.
ટ્રમ્પે કહ્યું કે, ‘જો બધું બરાબર રહ્યું તો રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠક થઈ શકે છે. જોકે, તેમણે આ બેઠક થશે જ તેની ખાતરી આપી ન હતી, પરંતુ કહ્યું કે શાંતિ સ્થાપિત થવાની સારી તક છે. યુક્રેન માટે અમેરિકાની સુરક્ષા ગેરંટીમાં અમેરિકી સૈનિકોને સામેલ કરવાના પ્રશ્ન પર ટ્રમ્પે જવાબ આપવાનું ટાળી કહ્યું કે, આ બાબત પર પછીથી ચર્ચા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે વ્યાપક ભાગીદારીથી ઘણી મદદ મળશે.
ટ્રમ્પે પુતિન સાથેની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે બેઠક સારી રહી હતી અને તેમને લાગે છે કે તેનાથી કોઈ સકારાત્મક પરિણામ આવી શકે છે. તેમણે બેઠક પૂરી થયા બાદ પુતિનને ફોન કરવાની વાત પર ભાર મૂકતા કહ્યું, “આ બેઠક પૂરી થયા બાદ તે (પુતિન) મારા ફોનની રાહ જોઈ રહ્યા છે.” આ નિવેદનથી ટ્રમ્પનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાય છે કે તેઓ યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવી શકે છે.
‘અમારી સાથે ઝેલેન્સ્કીનું હોવું સન્માનની વાત છે. મને લાગે છે કે, યુદ્ધ અટકાવવા મુદ્દે પ્રગતિ થઈ રહી છે. થોડા સમય પહેલા મારી અને પુતિન વચ્ચે સારી બેઠક થઈ હતી અને મને લાગે છે કે, સંભાવના છે કે, બેઠકથી સારા પરિણામો આવી શકે છે.
‘મેં ૬ યુદ્ધો બંધ કરાવ્યા છે, પરંતુ આ (રશિયા-યુક્રેન યુદ્ધ) સૌથી મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે મને આશા છે કે હું આ યુદ્ધ પણ બંધ કરાવીશ.’ ટ્રમ્પે યુદ્ધ માટે પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બિડેનને લાગે છે કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવું સરળ હશે. યુદ્ધ યુક્રેન માટે મોટી સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. આ મારું યુદ્ધ નથી, આ જો બિડેનનું યુદ્ધ છે. આ ઘટનામાં તેમનો મોટો હાથ છે અને અમે તેને સમાપ્ત કરવા માંગીએ છીએ.’