એક પછી એક આભ ફાટ્યાની ઘટના બાદ હવે હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં એક પછી એક બે વખત ભૂકંપ આવ્યા છે. પહેેેલા લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એક હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે આજે સવારે ૦૪:૩૯ વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે પાકિસ્તાનમાં પણ ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, બંને સ્થળોએથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
હિમાચલ પ્રદેશના ચંબામાં પણ સવારે ૦૩:૨૭ વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી ૨૦ કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ એવા સમયે નોંધાઈ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. આવી ઘટનાઓ અગાઉ ધરાલી અને હર્ષિલમાં અને હવે કુલ્લુમાં પણ નોંધાઈ છે, જેના કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે.
સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધરતી ધ્રુજી ઉઠી હતી. રાત્રે ૦૯:૨૮ વાગ્યે ધર્મશાલા શહેર નજીક ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ધર્મશાલાથી ૨૩ કિલોમીટર દૂર હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેનો અક્ષાંશ ૩૨.૨૩ ઉત્તર અને રેખાંશ ૭૬.૩૮ પૂર્વ હતો. આ ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી.