યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ ૨૦૨૫ માટે મંગળવારે (૧૯મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
એશિયા કપ-૨૦૨૫ માં આ ખેલાડીઓની એન્ટ્રી
- સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જીતેશ શર્મા (વિકેટ કિપર)
- જસપ્રિત બુમરાહ
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- કુલદીપ યાદવ
- સંજુ સેમસન (વિકેટ કિપર)
- હર્ષિત રાણા
- રિન્કુ સિંહ
એશિયા કપ-૨૦૨૫ ક્રિકેટ ટૂર્નામેન્ટ ૯ સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં ટી-૨૦ ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-૪ સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ ૧૦ સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ ૧૪ સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી ૧૯ સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-૪ સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-૪ સ્ટેજની ટોપ-૨ ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.