અમેરિકા અને વેનેઝુએલાની શત્રુતા ફરી એકવાર ચર્ચામાં છે. ડ્રગ્સ તસ્કરો પર કાર્યવાહીના બહાને ટ્રમ્પે ત્રણ વૉરશિપ વેનેઝુએલા રવાના કરી છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે, વેનેઝુએલાની સરકાર ડ્રગ્સ તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે. વેનેઝુએલાએ આ આરોપોને ફગાવતાં કહ્યું છે કે, અમેરિકા પાગલ થયુ છે. આવો જાણીએ કે, અંતે ટ્રમ્પ વેનેઝુએલા પર કેમ આટલો બધો દ્વેષ રાખે છે.
વેનેઝુએલાએ અમેરિકાના આરોપને ફગાવ્યા છે. તેમજ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતાં ૪૫ લાખ સૈનિકો તૈનાત કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ જણાવ્યું કે, અમેરિકા પાગલ થઈ ગયુ છે. આ દ્વેષ પાછળના કારણો જાણીએ…
૧. અમેરિકાની દાદાગીરીના દબાણમાં નહીં આવે વેનેઝુએલા
અમેરિકા દરેક દેશ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. એશિયાથી માંડી યુરોપ અને આફ્રિકા સુધી દરેક દેશમાં અમેરિકા દખલગીરી કરી રહ્યું છે. ઈતિહાસ પર નજર કરીએ તો અમેરિકાની વાત ન માનનારા દેશો પર તે વિવિધ રીતે દબાણ લાવે છે. અનેક દેશોમાં સત્તાપલટો પણ કરાવે છે. અમેરિકા અહંકારી છે. જે પોતાના અહંકાર માટે કંઈપણ કરી શકે છે. ઇરાકમાં સદ્દામ હુસૈન અને લિબિયામાં કર્નલ ગદ્દાફીના ખાત્માથી લઈને બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટામાં અમેરિકાનો હાથ રહ્યો છે. સીરિયામાં રાષ્ટ્રપતિ અસદને દેશ છોડવા મજબૂર કરનાર પણ અમેરિકા જ છે. તેમ છતાં, અમેરિકાના લાખો પ્રયાસો પણ વેનેઝુએલાનું કંઈ બગાડી શકે તેમ નથી. ખાસ કરીને વર્તમાન પ્રમુખ નિકોલસ માદુરો તો અમેરિકાને પડકાર અને ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશથી આટલા રોષે ભરાયા છે.
૨. વેનેઝુએલાએ ક્યારેય મિત્રતાનો હાથ લંબાવ્યો નથી
વાસ્તવમાં, વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રમુખ હ્યુગો શાવેઝથી લઈને વર્તમાન પ્રમુખ નિકોલસ માદુરો સુધી અમેરિકાને એક સામ્રાજ્યવાદી તાકાત માને છે. ભલે અમેરિકા સીધું કોઈ દેશની સત્તા પર કબજો કરતું નથી, પરંતુ ત્યાંની સરકારમાં હસ્તક્ષેપ કરી દબાણ બનાવતું રહે છે. આ જ કારણ છે કે વેનેઝુએલાએ ક્યારેય અમેરિકા સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો નથી અને હંમેશા તેની સામે મજબૂતીથી ઊભું રહ્યું છે. તેથી જ વેનેઝુએલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંખોમાં ખટકે છે.
૩. માદુરો પર જાહેર થયેલ ઇનામ બમણું કરાયું, છતાં ઝૂક્યા નહીં
વેનેઝુએલા પર દબાણ બનાવવાની વ્યૂહનીતિ હેઠળ ટ્રમ્પે આ જ મહિનાની આઠ તારીખે (૮ ઓગસ્ટ ૨૦૨૫) પ્રમુખ માદુરોને દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ તસ્કર ગણાવ્યા અને તેમની ધરપકડ પર ઇનામની રકમ પણ વધારી દીધી. પહેલા અમેરિકાએ માદુરો પર ૨૧૭ કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું, જે હવે ૪૩૫ કરોડ રૂપિયા કર્યું છે. તેમ છતાં વેનેઝુએલા ઝૂક્યું નથી. ન્યૂયોર્કની એક કોર્ટમાં માદુરો પર કોકેઈનની તસ્કરી અને નાર્કો-આતંકવાદના આરોપમાં વર્ષ ૨૦૨૦ માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ પ્રશાસને આરોપ લગાવ્યો હતો કે માદુરો વેનેઝુએલાના ડ્રગ કાર્ટેલ સાથે મળીને અમેરિકામાં કોકેઈનનો સપ્લાય કરે છે. તેમ છતાં માદુરો ન ઝૂક્યા અને અમેરિકાને પડકાર આપ્યો કે જો હિંમત હોય તો તેમને પકડીને બતાવે.
૪. વેનેઝુએલાના તેલ પર નિયંત્રણ નથી કરી શકતું અમેરિકા
એક મહત્વની વાત એ છે કે જે વેનેઝુએલાના ક્રૂડ ઉદ્યોગ પર ટ્રમ્પ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે, તે જ દેશ પાસેથી ખુદ અમેરિકા ક્રૂડ ખરીદતું આવ્યું છે. તેમ છતાં દબાણ બનાવવા માટે ટ્રમ્પે આ જ વર્ષે માર્ચ (માર્ચ ૨૦૨૫)માં જાહેરાત કરી હતી કે જે પણ દેશો વેનેઝુએલા પાસેથી ગેસ અથવા ક્રૂડ ખરીદશે તેના પર અમેરિકા ૨૫ % ટેરિફ લાદશે. વેનેઝુએલા પર પણ તેમણે નવા ટેરિફની જાહેરાત કરી હતી. વેનેઝુએલાના ક્રૂડ પર પણ અમેરિકાની નજર છે અને તેના પર અંકુશ કરવા સક્ષમ ન હોવાથી અમેરિકા નિરાશ રહે છે.
૫. મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સરહદ અમેરિકા માટે આકર્ષણનું કેન્દ્ર
વધુમાં વેનેઝુએલાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે તેને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. કેરેબિયન સાગરની વેનેઝુએલાની સરહદ તેને વધુ મહત્વ આપે છે. વેનેઝુએલાની ઉત્તરી સરહદ કેરેબિયન સી અને એટલાન્ટિક સી સાથે મળે છે. તેમાં ઘણા નાના ટાપુઓ પણ સામેલ છે. જેથી આ ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે આ જ વિસ્તાર કેરેબિયન ક્ષેત્રમાં વેપારી માર્ગો અને ક્રૂડ નિકાસ માટેના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોને નિયંત્રિત કરે છે. તેથી અમેરિકા ઇચ્છે છે કે વેનેઝુએલા તેના કબજામાં રહે, પરંતુ માદુરો ઝૂકવા તૈયાર નથી.