રશિયાએ દાવો કર્યો હતો કે અમારા સુરક્ષાદળોએ છેલ્લા ૨૪ કલાકમાં યુક્રેનના ડોનત્સક ક્ષેત્રના વધુ બે ગામડા પર કબજો મેળવી લીધો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમી સૈન્ય જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સેરેન્દે અને ક્લેબન બાઇક ગામડા પર હવે રશિયન સૈન્યનો કબજો છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે એવો પણ દાવો કર્યો હતો કે અમારા સૈન્ય દળોએ યુક્રેનિયન સૈન્ય અને ઔદ્યોગિક સંકુલ તથા યુક્રેનિયન સશસ્ત્ર દળો તથા વિદેશી લડાકૂઓને નિશાન બનાવતા ૧૪૩ સ્થળોએ હુમલો કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ ગત અઠવાડિયે યુક્રેનિયન હવાઈ હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો અને રશિયન પ્રદેશમાં કરવામાં આવેલા ચાર હવાઈ હુમલાઓ અને ૧૬૦ ડ્રોનને તોડી પાડ્યા હતા.
આ ઘટના બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકન મધ્યસ્થી શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે બની હતી. અગાઉ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે હું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છું.