કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યનાં 20 મોટા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ, રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ગણતરીના કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીને વીડિયો ડિલિટ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીએ પોલીસના ડરે વીડિયો ડિલિટ કરી નાખ્યો
રાજકોટ શહેરમાં વધુ એક વખત રાત્રિ કર્ફ્યૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકોટ શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેણે પોતાની સોશિયલ મીડિયાની સાઇટ્સ પર અપલોડ કર્યો હતો. બાદમાં પોલીસના ડરે વીડિયો ડિલિટ કરી નાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ, આ વીડિયો જ્યારે વાઇરલ થયો ત્યારે (RealPrisha_) નામના અકાઉન્ટમાંથી એક બાદ એક કોમેન્ટ કરી યુવતી પોતાના બચાવ માટે પક્ષ રાખવાના સતત પ્રયત્નો કરી રહી છે.

અગાઉ બે યુવાનોએ રસ્તા પર કાર ઊભી રાખી વીડિયો બનાવ્યો હતો
એક મહિના પહેલાં રાજકોટના કોટેચા ચોકમાં આવી રીતે બે યુવાનોએ રાજકોટ રાજા ગીત પર વીડિયો બનાવ્યો હતો. બંને યુવાનોએ ટ્રાફિકથી ધમધમતા રસ્તા વચ્ચોવચ્ચ કાર ઊભી રાખી દીધી હતી. બાદમાં બંને યુવાનો નીચે ઊતરી ડાન્સ કરવા લાગ્યા હતા, આથી રસ્તા પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા. જોકે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને પાસે માફી મગાવી હતી અને બંને યુવાનોએ કબૂલ્યું હતું કે ભવિષ્યમાં શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ આવું કોઈ કાર્ય નહીં કરે.

રાત્રિ કર્ફ્યૂમાં પોલીસ કમિશનરની લોકોને ઘરની અંદર રહેવા અપીલ
હાલ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી થાય એ માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લોકોએ ઘરમાં રહેવા અપીલ કરી છે. 13 એપ્રિલે પોલીસ કમિશનર ખુદ સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા અને વોકિંગ કરતાં 15 લોકોને પકડી પાડ્યા હતા.