સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને મોડી રાત બાદ હિંમતનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદને કારણે હિંમતનગર શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, જ્યારે પોશ વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસતા રહ્યો હતો, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીંના પોશ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, અને કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. વરસાદના પાણીમાં અંદાજે ૧૩ જેટલી મોંઘી કાર પણ ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદને કારણે હિંમતનગરનું બળવંતપુરા રેલવે અંડરપાસ પણ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે. ૧૭ ફૂટ ઊંડો આ અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ જતા તે ‘સ્વિમિંગ પૂલ’ જેવો દેખાઈ રહ્યો છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર થંભી ગયો છે, જેના કારણે લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, શહેરમાં અનરાધાર વરસાદથી ઉભી થયેલી સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.