વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને સવિસ્તારથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય મુજબ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા અને સ્થિતિ કાબૂમાં આવે તેને લઈને ભારતના દૃઢ વલણ દાખવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન જરૂરી સહયોગ આપવાનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધા મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.’
જ્યારે ઝેલેન્સ્કીએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘મે ભારતના પીએમ મોદી સાથે વાત કરી. મે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે યુરોપીય નેતાઓની ભાગીદારી વાળી વાતચીતની જાણકારી આપી. યુક્રેને રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે માટે પોતાની તૈયારીનો બતાવી છે. લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે અને આ સમય દરમિયાન જ્યારે રશિયાએ રાજદ્વારી તૈયારીઓ કરવી જોઈતી હતી, ત્યારે મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેતો આપ્યા નથી. તેણે ફક્ત નાગરિક ઠેકાણાઓ પર નિંદનીય હુમલાઓ કર્યા છે અને આપણા ડઝનબંધ લોકો માર્યા ગયા છે. પીડિતોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે વ્યક્ત કરેલી સંવેદના બદલ હું વડાપ્રધાનનો આભાર માનું છું. અમે શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા અમારી સ્થિતિનું સંકલન કર્યું. ભારત સમિટની બાજુમાં બેઠકો દરમિયાન રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સંકેત મોકલવા માટે તૈયાર છે. ભવિષ્યમાં વડાપ્રધાનને મળવામાં મને ખુશી થશે.’