ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૫૦ % ટેરિફનો કડક જવાબ આપ્યો છે, તેને ‘અન્યાયી’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયન ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે આર્થિક મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારી સૂત્રોએ ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, ‘ભારતને બલિનો બકરો બનાવવાથી શાંતિ નહીં મળે. આનાથી રાજકીય હિતોની સાધી શકાય છે, પરંતુ હકીકતોને નકારી શકાય નહીં.’
આ મહિનાની શરૂઆતમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ૨૫ % બેઝ ટેરિફ અને રશિયન ઓઇલ ખરીદી માટે વધારાના ૨૫ % ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતની ઓઇલ ખરીદી રશિયાને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવા માટે ભંડોળ પૂરું પાડી રહી છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે તેઓ જીત્યા પછી તરત જ યુક્રેન યુદ્ધનો અંત લાવશે.
‘બલિનો બકરો બનાવીને શાંતિ આવી શકતી નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રાજદ્વારીની હિમાયત કરી છે. રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીથી ભારતે વૈશ્વિક બજારને સ્થિર રાખ્યું છે, ઇંધણ સસ્તું રાખ્યું છે અને પોતાના માટે તેમજ વિશ્વ માટે ફુગાવાને નિયંત્રિત કર્યો છે.’
સરકારી સૂત્રોએ પશ્ચિમી દેશોના બેવડા ધોરણો પર પણ સવાલ ઉઠાવ્યા છે, જેઓ પોતે રશિયા પાસેથી ઊર્જા આયાત કરે છે પરંતુ ભારતને નિશાન બનાવી રહ્યા છે.
‘યુરોપ હજુ પણ રશિયા પાસેથી ગેસ ખરીદે છે અને અમેરિકા યુરેનિયમ આયાત કરે છે. ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કર્યું, વૈશ્વિક નિયમોનું પાલન કર્યું અને ઓઇલના ભાવને આસમાને પહોંચતા અટકાવ્યા. ભારતે રશિયન ઓઇલ ખરીદીને વૈશ્વિક કટોકટી ટાળી છે, કારણ કે વૈશ્વિક ઓઇલ પુરવઠાનો લગભગ ૧૦ % હિસ્સો રશિયા પાસેથી આવે છે. જો ભારતે રશિયન ઓઇલ ખરીદવાનું બંધ કર્યું હોત, તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $૨૦૦ સુધી પહોંચી શક્યો હોત. ભારતે રશિયા પાસેથી ઓઇલ પુરવઠો જાળવી રાખીને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં સ્થિરતા પ્રદાન કરી છે અને વિશ્વભરના લોકોને ફુગાવામાં રાહત આપી છે.’
