યુનાઈટેડ આરબ એમિરેટ્સના રણમાં ધોધમાર વરસાદ પડયો હતો. સામાન્ય રીતે યુએઈમાં વર્ષો સુધી વરસાદ પડતો નથી. અમુક પહાડી વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ પડે તો એ પણ મોટી વાત ગણાય. રણમાં વરસાદ પડે એવી શક્યતા હોતી નથી અને સ્થાનિક લોકોને રણમાં વરસાદની આશા પણ હોતી નથી. જોકે, હવે ક્લાઈમેટ ચેન્જના કારણે ન થવાનું થઈ રહ્યું છે. યુએઈના રણમાં ગરમ રેતીના તોફાનોની નવાઈ નથી, એના બદલે અચાનક ધોધમાર વરસાદ પડી ગયો હતો. આ વરસાદને સ્થાનિક લોકોએ એવી રીતે માણ્યો હતો, જાણે આકાશમાંથી વરસાદ નહીં, આશીર્વાદ વરસ્યા હોય.
યુએઈનું રણ તેની ગરમ આંધી માટે જાણીતું છે. રણમાં રહેતા લોકો માટે રેતીના ધૂળિયા તોફાનોની નવાઈ નથી. અગનભઠ્ઠી જેવા રણમાં ચામડી બાળી નાખે તેવી ગરમ હવા ફૂંકાતી રહે છે. પરંતુ એવા રણમાં અચાનક વરસાદ પડયો છે. આગ ઓકતા સૂર્ય નારાયણને જાણે વાદળોએ ઢાંકી દીધા હોય એ રીતે વાદળો ઘેરાયા હતા અને પછી ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.
દુબઈ સહિતના શહેરોમાંપણ વરસાદી ઝાપટાં પડયા હતા. આ વરસાદને માણવા માટે લોકો રસ્તા પર આવી ગયા હતા. જોકે, યુએઈમાં વરસાદ પડતો ન હોવાથી ત્યાંની પરિવહન સિસ્ટમ પણ એને અનુરૂપ નથી. તેના પરિણામે વરસાદી પાણી અને કિચડની અગવડો ભોગવવી પડી હતી. સોશિયલ મીડિયામાં લોકોએ ઉત્સાહથી વીડિયો શેર કર્યા હતા. અમુક વીડિયોમાં તો કારનું વાઈપર ચાલતું હોવા છતાં સામેનું દૃશ્ય દેખાતું ન હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે યુએઈની વેધર પેટર્ન છેલ્લાં બે-ચાર વર્ષમાં બદલાઈ ગઈ છે. ગયા વર્ષે જ યુએઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડયો હતો. અમુક રણ વિસ્તારોમાં આમ વરસાદનું એક ટીપું પડતું નથી, તો અમુક વિસ્તારોમાં માંડ બે-અઢી ઈંચ વાર્ષિક વરસાદ પડે છે ત્યાં ગયા વર્ષે સરેરાશ વાર્ષિક ૧૦ ઈંચ વરસાદ વરસ્યો હતો. દુબઈમાં એક સામટો પાંચ ઈચ વરસાદ પડયો હતો એનો પણ રેકોર્ડ નોંધાયો હતો. દુબઈમાં અત્યારે ૪૦ લાખથી વધુ લોકો રહે છે, તેમના માટે આ વરસાદ આશ્વર્ય લઈને આવ્યો હતો. દાયકાઓથી દુબઈમાં રહેતા લોકોએ આટલો વરસાદ એક સાથે ક્યારેય જોયો ન હતો. દુબઈમાં રહેતા ભારતીયો સહિત ભારતીય ઉપખંડના દેશોના લોકોએ તો ભારે વરસાદ અને ભયાનક પૂરની સ્થિતિ જોઈ હોય છે. આવા ભારતીય ઉપખંડના લોકો માટે દુબઈમાં આટલા વર્ષોમાં વસવાટ બાદ એક સામટો ચાર-પાંચ ઈંચ વરસાદ પડે તે સુખદ આશ્વર્ય આપનારી બાબત બની જાય છે.હવે ક્લાઈમેટ ચેન્જના કારણે યુએઈની વેધર પેટર્ન બદલાઈ જતાં સરકાર બાંધકામોમાં એ ફેક્ટરને ધ્યાનમાં રાખવાની તાકીદ કરી રહી છે. યુએઈમાં એક કરોડ જેટલા લોકો રહે છે. તેમને પાણીની અછતનો સામનો કરવો પડે છે. દુનિયામાં પાણીની તંગી ભોગવતા સાત દેશોમાં એક યુએઈ છે ત્યારે અચાનક ત્રાટકેલો વરસાદ તેમના માટે ભીંજાવાનો અવસર લઈને આવે છે.