ગુજરાતમાં મેઘરાજાએ શનિવારે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સવારે ૦૬:૦૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યાના વરસાદના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ, વલસાડ અને રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
હવામાન વિભાગના આંકડા અનુસાર, સવારે ૦૬:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૩૪ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં જોવા મળ્યો હતો. ૮ કલાકમાં વલસાડમાં ૬.૧૮ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય રાજકોટમાં ૩.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ સાબરકાંઠા અને બોટાદમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. ૦૨:૦૦ વાગ્યા સુધીમાં સાબરકાંઠામાં ૨.૫૨ ઇંચ અને બોટાદમાં ૨.૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અરવલ્લી, મહેસાણા, જામનગર, પાટણ, દાહોદ, જૂનાગઢ, વડોદરામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં પણ બપોર પછી મેઘ મહેર જોવા મળી હતી. બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધીમાં અમદાવાદમાં ૦.૪૭ અને ગાંધીનગરમાં ૦.૫૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.
૬ સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, શનિવારે ૪ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના ૯ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને ૨૧ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.
- રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
- ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
- યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.
૭ સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, રવિવારે (૭ સપ્ટેમ્બર) ૧ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના ૯ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને ૧૧ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
- રેડ ઍલર્ટઃ કચ્છ
- ઑરેન્જ ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
- યલો ઍલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ