અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટેરિફ અને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના મુદ્દે ભારત પર આકરા પ્રહારો અને ધમકીઓ આપતા હતા, જોકે હવે અચાનક તેઓ નમ પડ્યા છે. કંઈક ચમત્કાર થયો હોય તેમ ટ્રમ્પનું ભારત પ્રત્યે હૃદય પરિવર્તન થયું છે. હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ વડાપ્રધાન અને પોતાના સારા મિત્ર ગણાવી રહ્યા છે. તો જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ સંબંધોને સકારાત્મક ગણાવીને ટ્રમ્પની પ્રશંસા કરી છે. પરંતુ સવાલ એ છે કે આ ‘હૃદય પરિવર્તન’ પાછળ કયા કારણો જવાબદાર છે? નિષ્ણાતોનું માનવું છે કે, ભારતની વધતી આર્થિક અને રાજકીય તાકાતના કારણે ટ્રમ્પનું વલણ બદલાયું છે. આ માટે પાંચ કારણો હોઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૬ સપ્ટેમ્બરે ઓવલ ઓફિસમાં કહ્યું હતું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તેઓ એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જોકે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘હું ખૂબ નિરાશ છું કે, ભારત રશિયા પાસેથી આટલું બધું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. અમે ભારત પર ખૂબ વધારે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધ સારા છે. તે મહાન છે. થોડા મહિનાઓ પહેલાં અહીં આવ્યા હતા, ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે, ભારત અને અન્યે દેશો સાથે ટ્રેડ વાટાઘાટો કેવી ચાલી રહી છે? એ દરમિયાન મેં કહ્યું હતું કે, બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ, અમે યુરોપિયન યુનિયનથી નારાજ છીએ.’
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે, ‘અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ અને તેમનું સમર્થન કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.’
આ તમામ ઘટનાક્રમ વચ્ચે સવાલ એ થાય છે કે, આમ તો ટ્રમ્પ ભારતને ધમકી આપતા રહેતા હતા, જેના કારણે તેમણે ભારત પર મસમોટો ટેરિંફ ઝિંક્યો હતો. હવે અચાનક તેમનું હૃદય પરિવર્તન કેમ થયું છે? શું ભારતની વધતી આર્થિક અને રાજકીય તાકાતના કારણે ટ્રમ્પનું વલણ બદલાયું છે? શું એસસીઓ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાના કારણે ટ્રમ્પ પોતાનો આકરો સ્વભાવ છોડીને વલણ બદલી નાખ્યું છે? તો જાણીએ આ તમામ સવાલોના પાંચ મહત્ત્વના કારણો…
ટ્રમ્પનું અચાનક હૃદય પરિવર્તન થવાના પાંચ મુખ્ય કારણો
૧… ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી
અમેરિકાના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની પોલિસી જાળવી રાખી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારત જ્યાંથી પણ સસ્તું અને સતત ઓઈલ મળશે ત્યાંથી ખરીદશે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવું એ ભારતની આર્થિક વ્યૂહરચનાનો એક ભાગ છે. મીડિયા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરમાં ભારતનું રશિયન ઓઈલનું આયાત ૧૦-૨૦ % વધવાની સંભાવના છે. આ ઉપરાંત, ઈન્ડિયન ઓઇલે પણ અમેરિકન ઓઈલને બદલે પશ્ચિમ આફ્રિકા અને મધ્ય પૂર્વમાંથી ઓઈલ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
૨… એસસીઓ માં ભારતની મજબૂતીથી અમેરિકાને સ્પષ્ટ સંદેશ
ટેરિફના વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ ચીનમાં યોજાયેલ એસસીઓ માં હાજરી આપીને અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો. આ સંગઠનનો ઉદ્દેશ્ય પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવાનો હતો, પરંતુ હવે તે આર્થિક સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીનમાં યોજાયેલી આ બેઠકમાં મોદી-પુતિન-જિનપિંગ ભારે ઉત્સાહ સાથે એકજૂટ જોવા મળતા સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. બેઠકમાં પુતિને મોદીને પોતાની કારમાં બેસાડીને લાંબી ચર્ચા કરી હતી, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો અનોખો સંકેત હતો.
3… સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદી ગેરહાજર રહ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સત્ર ૯ સપ્ટેમ્બરથી જ્યારે ઉચ્ચસ્તરીય સત્ર ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી યોજાવાનું છે. જોકે આમાં વડાપ્રધાન મોદી ભાગ લેવાના નથી. રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી ૨૬ સપ્ટેમ્બરે સત્રમાં સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેઓ ત્યાં જવાના નથી. હવે તેમના સ્થાને વિદેશ મંત્રી એસ.જયશંકર જવાના છે અને તેઓ ૨૭ મીએ સંબોધન કરવાના છે. ટ્રમ્પ સત્રમાં ૨૩ સપ્ટેમ્બરે સંબોધન કરવાના છે.
૪… ભારત-અમેરિકા વેપાર સમજૂતી
ટ્રમ્પના કડક વલણના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ છે, જોકે તેમ છતાં પડદા પાછળ વેપાર સમજૂતીના પ્રયાસો ચાલી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં નવેમ્બર સુધીમાં આ વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાની આશા વ્યક્ત કરી હતી. કૃષિ અને ડેરી જેવા કેટલાક ક્ષેત્રો પર હજુ વાત અટકેલી છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમેરિકન પ્રતિનિધિ મંડળ ભારતમાં આવવાનું હતું, પરંતુ ટ્રમ્પે ૫૦ % ટેરિફ લાદતા વાતચીઓ અટકી ગઈ છે. આ ડીલ બંને દેશો માટે ફાયદાકારક હોઈ શકે છે, તેથી ટ્રમ્પ કોઈ જોખમ લેવા માગતા નથી.
૫…ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં નારાજગી
ટ્રમ્પે ભારત પર કુલ ૫૦ % ટેરિફ ઝિંક્યા બાદ તેઓ પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરી રહ્યા છે. અનેક નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રમ્પે બંને દેશોના બે દાયકાના સંબંધો પર પાણી ફેરવી નાખ્યું છે. તેમનું વલણ બંનેના સંબંધોને બરબાદ કરી નાખનારું ગણાવાયું છે. ચર્ચા મુજબ, ટ્રમ્પે પોતાની જીદને કારણે સંબંધોને દાવ પર લગાવી દીધા છે. એક જર્મન મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે મોદીને ચાર વખત ફોન કર્યો હતો, પરંતુ તેમણે વાતચીત કરી ન હતી.
