સૌરાષ્ટ્રમાં ગણેશ વિસર્જનના દિવસે જુદા-જુદા કારણોસર વરસાદી જળરાશિ જીવલેણ બની હતી. મોરબી, લોધિકા અને ઉપલેટા નજીક અલગ-અલગ ચાર ઘટનામાં પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં વૃધ્ધ સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો લાપત્તા બનતા મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રહી હતી. આ સાથે એક વ્યકિતનો બચાવ થયો હતો. વળી, નાગવદર નજીક પુલ પરથી ધસમસતા પાણીમાંથી પસાર જતાં બોલેરો કાર તણાઈ હતી.
મોરબીમાં ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જોકે પીપળીયા ચાર રસ્તા પર મોડપર પાસે લુંટાવદર જવાના રસ્તા પર ગણેશ વિસર્જન સમયે એક યુવાન ડૂબ્યો હતો. ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળતા ટીમ દોડી ગઈ હતી. જોકે ટીમ પહોંચે તે પૂર્વે જ મૃતદેહ મળી ગયો હતો, પણ મોડી સાંજ સુધી ઓળખ થઇ શકી નહોતી.
બીજા બનાવમાં મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં એક યુવાન ડુબ્યાની માહિતી મળી હતી. મોરબી ફાયર ટીમને કોલ મળતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવાનની કોઈ ભાળ હાલ મળી નથી.
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં બપોરે વિમલભાઈ જયંતીભાઈ મકવાણા (ઉં.૪૫) અને અનિલ ભગવાનજીભાઈ મકવાણા (ઉં.૩૨) બોલેરો કાર લઈને જતા હતા ત્યારે તણાઈ ગયા હતા. જેમાં અનિલનો બચાવ થયો હતો, જ્યારે વિમલભાઈ મકવાણા પાણીના પ્રવાહમાં વહી જતાં મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
એ જ રીતે પડધરીના મોવૈયા ગામના રહીશ જીવરાજભાઈ પોપટભાઈ તળપદા (ઉ.૭૦) સવારે દસ વાગ્યા આસપાસ પોતાની વાડીએથી પરત ફરતા હતા, એ સમયે મોવૈયા મેઈન ગેટ પાસે આવેલા પાણીના વોકળાના પુલ પરથી તણાઈ ગયા હતા. આથી એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને બપોરે મૃતદેહ મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું.
