હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સરવે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે રૂ. ૧૫૦૦ કરોડની નાણાકીય સહાય જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ તેમને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાને એનડીઆરએફ, એસડીઆરએફ અને આપત્તિ નિવારણ સ્વયંસેવકોની પણ મુલાકાત કરી તેમની રાહત-બચાવ કામગીરીને બિરદાવી હતી. ગગ્ગલ ઍરપોર્ટ પર પીએમએ મંડીના સરાજની ૧૧ માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નીતિકાના બા, માતા અને પિતા પૂરમાં તણાઈ ગયા હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના X એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે અમુક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમની પીડા, અને નુકસાન મનને હચમચાવી નાખે તેવી છે. ખરાબ હવામાનના સંકટનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ સુધી રાહત અને સહાયતા પહોંચાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કાંગડાના પુર પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ કાંગડાના ગગ્ગલ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લ, અને વિપક્ષ નેતા જયરામ ઠાકુર સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
હિમાચલ પ્રદેશ આપત્તિ નિવારણ તરફથી ૯ સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ૨૦ જૂનથી ચોમાસુ શરુ થયું હતું. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખ્લનના કારણે ૩૬૬ લોકોના મોત થયા હતા. ૪૧ લોકો ગુમ થયા અને ૪૨૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આફતના કારણે ૬૩૦૧ મકાન ધરાશાયી થયા હતા. ૧૯૯૧ ઢોર-ઢાંખર અને ૨૬૯૫૫ પોલ્ટ્રી બર્ડ્સ તણાયા છે. અત્યારસુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં રૂ. ૪૦૮૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે, છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે ચોમાસાની સીઝનમાં ૧૭ હજાર કરોડનું નુકસાન ભોગવ્યું છે.