ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે ફરીવાર કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે ભારત સાથે મંત્રણા ચાલુ રાખશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મને આશા છે કે ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થશે. ત્યારે તેની સામે વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપતાં કહ્યું હતું કે હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા ઉત્સુક છું.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં જવાબ આપ્યો કે ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે બંને દેશોની વચ્ચેની ટ્રેડ ડીલ અંગેની મંત્રણા ભારત-અમેરિકાની ભાગીદારી અપાર સંભાવનાઓનો માર્ગ મોકળો કરશે. બંને દેશોની ટીમ જલદીથી જલદી આ મામલે ચર્ચા પૂર્ણ કરવા કામ કરી છે. હું પણ પ્રમુખ ટ્રમપ સાથે વાતચીત કરવા ઉત્સુક છું. બંને દેશોના લોકો માટે એક ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.
“મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા અંગે વાતચીત ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાત કરવા આતુર છું. મને વિશ્વાસ છે કે બે મહાન દેશો વચ્ચેનો આ સંવાદ સફળ નિષ્કર્ષ પર પહોંચશે.”
