દેશમાં કોરોના વિસ્ફોટ, 2 લાખ જેટલા નવા કેસ, 24 કલાકમાં 1,000થી વધુના મોત

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ, 2021, ગુરૂવાર

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના આશરે 2 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા છે અને સતત બીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 14 લાખ જેટલો થવા આવ્યો છે.

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1.99 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,000થી વધારે લોકોના મૃત્યુ સાથે કોવિડથી મરનારા લોકોની કુલ સંખ્યા 1,73,152 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,99,569 નવા કેસ સામે આવ્યા છે અને 1,037 દર્દીઓના મોત થયા છે. કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *