સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવાના મુદ્દે નેપાળમાં થયેલી હિંસાના સમાચાર હજુ તો માધ્યમોમાં છવાયેલા છે, એટલામાં ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો. સરકારી નીતિઓ, આર્થિક અસમાનતા અને રાજકીય અસ્થિરતા જેવી બાબતોને લીધે છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રાન્સના નાગરિકો અસંતોષ અનુભવી રહ્યા હતા, જે હાલમાં ‘બ્લોક એવરીથિંગ’ નામના આંદોલન રૂપે ભડકી ઊઠ્યો છે. રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં રસ્તા રોકો અને આગજનીને કારણે સેંકડોની ધરપકડ કરાઈ છે.
વડાપ્રધાન ફ્રાંસ્વા બાયરોની દેવું ઘટાડવાની યોજના સંસદ દ્વારા નામંજૂર કરી દેવાઈ હતી. ત્યાર પછી ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ તેમને પદ પરથી હટાવી દેવાયા અને તેમનું સ્થાન સેબેસ્ટિયન લેકોર્નુએ લીધું. છેલ્લા 12 મહિનામાં ફ્રાન્સે ચોથા વડાપ્રધાનની નિમણૂક કરવી પડી, જે અહીંની રાજકીય અસ્થિરતાનો પુરાવો છે. નબળી નેતાગીરીને કારણે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને એણે દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ લીધું.
સરકારની નીતિઓના વિરોધમાં ૧૦ સપ્ટેમ્બરે ફ્રાન્સના લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. પેરિસ સહિત ફ્રાન્સના અનેક શહેરોમાં લોકોએ રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધો તેમજ કચરાના ડબ્બા અને ટાયરો સળગાવીને ઉગ્ર દેખાવો કર્યા. રેન્સ શહેરમાં એક બસને આગ ચાંપી દેવાઈ. વીજલાઇનને નુકસાન પહોંચાડતાં દક્ષિણ-પશ્ચિમમાં ટ્રેનો અટકી ગઈ. જવાબી કાર્યવાહીમાં સમગ્ર દેશમાં ૮૦,૦૦૦ પોલીસ અધિકારી તહેનાત કરાયા, જેમણે ૨૦૦ જેટલા દેખાવકારોની ધરપકડ કરી.
આ આંદોલન ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સત્તાને સીધી અસર કરે છે. લોકોને લાગે છે કે મેક્રોનનું નેતૃત્વ નબળાઈ અને દિશાહીનતાથી ઘેરાયેલું છે, તેથી મેક્રોન માટે હવે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ લોકતંત્રમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર પણ ઊભો થયો છે.
‘બ્લોક એવરીથિંગ’ની વિશેષતા એ છે કે, તેનું કોઈ એક કેન્દ્રિય નેતૃત્વ નથી. તે સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ ચેટ્સ મારફતે સ્વયંભૂ ફેલાયેલું છે. આંદોલનકારીઓની નીચે મુજબની માંગણીઓ કરી રહ્યા છે.
- બજેટમાં કાપ ન મૂકો.
- કરકસર નીતિઓનો ત્યાગ કરો.
- આર્થિક અસમાનતા સામે પગલાં લો.
- મેક્રોન રાજીનામું આપે.
- બંધારણમાં જરૂરી સુધારા કરો.
- ધનિકો પર વધારાના કર લાદો.
આંદોલનનો વ્યાપ અને માંગણીઓ દર્શાવે છે કે ફ્રાન્સમાં અસંતોષ માત્ર એક મુદ્દા પૂરતો મર્યાદિત નથી; સિસ્ટમ પ્રત્યેના રોષના કારણો અનેક છે.
‘બ્લોક એવરીથિંગ’ આંદોલન ૨૦૧૬ ના ‘યલો વેસ્ટ’ દેખાવોની યાદ અપાવે છે. તે વખતે ફ્યૂલ ટેક્સના કારણે ફ્રાંસના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. એ જ રીતે ‘બ્લોક એવરીથિંગ’ હાલનાં આર્થિક બોજ અને રાજકીય દગાબાજી સામે પ્રતિકારનું સ્વરૂપ છે. આ બંને આંદોલનમાં સમાનતા એ છે કે મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગ પોતાની અવગણના અનુભવી રહ્યો છે અને પોતાના હક્ક માટે રસ્તા પર ઊતરી રહ્યો છે.
ફ્રાન્સમાં જીવન ખર્ચ વધતો જાય છે, રોજગારની અનિશ્ચિતતા છે અને ધનિક-ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. સરકાર તરફથી બજેટમાં કરાતી કરકસરની જાહેરાતો સામાન્ય નાગરિકને વધુ ભારરૂપ લાગે છે. ફ્રાન્સની રાજકીય અસ્થિરતાને લીધે આર્થિક તંગી વિકરાળ બની ગઈ છે. પરિણામે લોકોનો વિશ્વાસ માત્ર મેક્રોનમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજકીય વ્યવસ્થામાંથી તૂટતો જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રાષ્ટ્રપતિ કરતાં વડાપ્રધાનને વધુ સત્તા હોય છે જ્યારે ફ્રાન્સમાં એનાથી ઊંધું છે. તેથી ત્યાંની જનતા દેશની દુર્દશા બદલ રાષ્ટ્રપતિ મેક્રોન મોટા દોષી માને છે.
આ આંદોલનથી સંકેતો એવા પણ મળી રહ્યા છે કે રશિયા કે ઇરાન તરફી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આ આંદોલનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે તેની અસર મર્યાદિત છે. એટલું જ નહીં, આ આંદોલનની શરૂઆત તો ફ્રાન્સના લોકોના અસંતોષમાંથી જ થઈ છે. સાચી ઊર્જા સ્થાનિક સ્તરે ઉછળેલા અસંતોષમાંથી આવે છે. આંદોલન ફ્રેન્ચ નાગરિકોના દૈનિક જીવનમાં અનુભવાતા અન્યાયનો સીધો પ્રતિસાદ છે.
મેક્રોન માટે આ આંદોલન ગંભીર પડકાર છે. આ આંદોલનને બે મુખ્ય મજૂર સંગઠને સમર્થન આપ્યું છે, જ્યારે અન્ય સંઘો 18 સપ્ટેમ્બરે હડતાલ પર જવાની તૈયારીમાં છે. એ જોતા એવું લાગે છે કે ‘બ્લોક એવરીથિંગ’ ફક્ત એક દિવસનો વિરોધ નથી, પરંતુ લાંબા ગાળાનું સામાજિક આંદોલન બની શકે છે. જો સરકાર લોકભાવનાઓને અવગણે છે તો આ અસંતોષ રાજકીય ભૂકંપમાં ફેરવાઈ શકે છે. ‘બ્લોક એવરીથિંગ’ આંદોલનને પગલે ફ્રાન્સનું રાજકીય નેતૃત્વ જનતાના દુખ-દર્દને સાંભળીને સમાધાન શોધે છે કે પછી પોતાની સત્તા બચાવવા હિંસક દમનનો રસ્તો પસંદ કરે છે, એ જોવું રસપ્રદ રહેશે.
નેપાળ અને ફ્રાન્સમાં થતાં એવા દેશવ્યાપી આંદોલનો ભારતમાં કેમ નથી થતાં એ અંગે નિષ્ણાતો કહે છે કે, આવા આંદોલનો ઘણીવાર ઓર્ગેનિક નથી હોતા, તેમના પાછળ અમેરિકા જેવી મહાસત્તાની મેલી મુરાદ જવાબદાર હોય છે. આ પ્રકારના આંદોલનો લોકોના અસંતોષમાંથી જન્મે છે, પછી વિદેશી સત્તાઓ તેમાં પ્રાણ ફૂંકવાનું શરૂ કરે છે. જેમ કે, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં આવું હોવાની શક્યતા છે. આ દેશોમાં દેશવ્યાપી આંદોલનો ‘કરાવી શકાય છે’, પરંતુ ભારતના વિશાળ કદ, સાંસ્કૃતિક વિવિધતા અને મજબૂત લોકશાહી માળખાને કારણે વિદેશી સત્તાઓ અહીં સીધી રીતે આંદોલનો કરાવીને નેતૃત્વ પલટાવી શકતા નથી. ટૂંકમાં, આપણા દેશનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ આપના દેશની અખંડિતતાનું મોટું જમા પાસું છે.