નેપાળમાં યુવાનોના બળવા બાદ હવે સત્તાને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે જ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ વડાપ્રધાન પદના શપથ લેશે. તેઓ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન હશે.
નેપાળમાં હિંસક જનરલ-ઝેડ આંદોલનમાં યુવાનોએ માત્ર બે જ દિવસમાં સરકાર ઉથલાવી નાંખી હતી. સંસદથી લઈને નેતાઓના ઘરમાં આગ લગાવી દેવાના કારણે કેબિનેટના તમામ મંત્રીઓ તથા તત્કાલીન સરકારના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. કેટલાક પૂર્વ મંત્રીઓ અને નેતાઓને ભીડે માર પણ માર્યો. જે બાદ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આંદોલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો હતો. જોકે બાદમાં સત્તા કોને સોંપવી તે મુદ્દે યુવાનો વચ્ચે જ ઘમસાણ થઈ હતી. જે બાદ હવે આખરે સુશીલા કાર્કીના નામ પર સહમતી બની.
નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર તથા સોશિયલ મીડિયા બેનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું જેને અત્યંત હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ આંદોલનમાં ૫૧ લોકોના મોત થયા છે જ્યારે ૧૩૦૦ ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે. તેઓ તેમના પતિ સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જોકે ઉગ્રવાદીઓએ હોટલમાં આગ લગાવી દેતા પતિ-પત્નીએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં પતિને ઈજા પહોંચી અને પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું.