ટ્રમ્પે નાટો દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના પર કડક પ્રતિબંધો લાદવા વિનંતી પણ કરી, આ ઉપરાંત તેમણે ચીન પર કડક ટેરિફ લાદવાનો પણ પ્રસ્તાવ મૂક્યો

ટ્રમ્પે નાટો દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના પર કડક પ્રતિબંધો લાદવા વિનંતી પણ કરી, આ ઉપરાંત તેમણે ચીન પર કડક ટેરિફ લાદવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે મારું માનવું છે કે નાટો અને અન્ય દેશોએ સાથે મળીને ચીન પર ૫૦ થી ૧૦૦ % ટેરિફ લાદવો જોઈએ. આ ટેરિફ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી અમલમાં રહેવા જોઈએ. તેમણે કહ્યું કે ચીનનો રશિયા પર ઘણો પ્રભાવ છે, આ ટેરિફ ચીનની પકડ નબળી પાડશે.
તેમણે ખાસ કરીને ભારત અને ચીનને રશિયાને તેના યુદ્ધ અભિયાનમાં મદદ કરનારા ગણાવ્યા છે. જી-૭ નાણામંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન, યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટ અને વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે સંયુક્ત પ્રયાસો દ્વારા જ આપણે રશિયાના યુદ્ધ માટે નાણાંનો પ્રવાહ રોકી શકીએ છીએ. ત્યારે જ આપણે પૂરતું આર્થિક દબાણ લાવી શકીશું અને આ યુદ્ધનો અંત લાવી શકીશું.
હાલમાં જી-૭ ના અધ્યક્ષ ઓટ્ટાવાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સભ્ય દેશો સંયુક્ત રીતે રશિયા પર દબાણ વધારશે. તેઓ યુક્રેનની લાંબા ગાળાની આર્થિક રિકવરી પણ સુનિશ્ચિત કરશે.
