ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકીભર્યો ઇમેલ મોકલ્યો હતો. પોલીસનો કાફલો તરત જ હાઈકોર્ટ ધસી આવ્યો હતો.
ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત છે જ્યારે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં આ ધમકી બાદ પણ હાઈકોર્ટમાં કામગીરી તો નિયમિત રીતે ચાલતી રહી હતી. છેલ્લે ઓગસ્ટમાં ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી હતી.
અગાઉ નવમી જૂન ૨૦૨૫ ના રોજ ગુજરાત હાઈકોર્ટને મળેલા ઈ-મેલમાં આઈઈડી બ્લાસ્ટ ધમકી આપવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે એફઆઈઆર નોંધી અને સાયબર સેલે ઈ-મેલના મૂળની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું. ૨૪ મી જૂન ૨૦૨૫ ના રોજ રેની જોશિલ્ડા નામના ઈ-મેલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તપાસમાં ચેન્નાઈની એક મહિલાની ધરપકડ કરી હતી, જેણે વ્યક્તિગત કારણોસર આવી ધમકીઓ મોકલી હોવાનું કબૂલ્યું. જ્યારે ૨૦ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ પોલીસે હાઈકોર્ટના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.