રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નિકાસ ઓર્ડર અને સરકારી ખર્ચમાં ઘટાડાના કારણે જીડીપી ગ્રોથમાં ઘટાડાની ભીતિ વચ્ચે આ પગલું લેવામાં આવી શકે છે. જીએસટી માં ઘટાડા બાદ મીડલ ક્લાસને રેપો રેટમાં પણ રાહત મળવાની શક્યતા છે. જેનાથી ખિસ્સા પર બોજો ઘટશે અને માગ વધશે.
એચએસબીસી ગ્લોબલ રિસર્ચે પોતાના રિપોર્ટમાં આ અંગે જણાવ્યું હતું કે,અનાજનું મજબૂત ઉત્પાદન, ચોમાસુ સારૂ રહેતાં ગ્રામીણ વપરાશમાં વધારો, પર્યાપ્ત ભંડાર, ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ચીનમાંથી સસ્તી નિકાસના કારણે ફુગાવો નીચો રહેવાનો આશાવાદ છે. જેથી આરબીઆઈ વ્યાજના દરોમાં ૦.૨૫ % (૨૫ બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે, આરબીઆઈએ આ વર્ષમાં રેપો રેટ ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં કુલ ૧૦૦ બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો છે.
આરબીઆઈએ છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ ૬.૫ % પર સ્થિર રાખ્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીથી ઘટાડો કરવાની શરૂઆત કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપોરેટ ૦.૨૫ % ઘટાડ્યો હતો. બાદમાં એપ્રિલમાં વધુ ૦.૨૫ % અને જૂનમાં ૦.૫૦ % નો ઘટાડો લાગુ કર્યો હતો. આ સાથે હાલ ૫.૫ % રેપો રેટ લાગુ છે. આગામી એમપીસી બેઠકમાં વ્યાજનો દર ૦.૨૫ % ઘટાડે તો હોમ અને ઓટો લોનધારકોને મોટી રાહત મળશે.
ચાલુ ત્રિમાસિક માટે સરેરાશ ફુગાવો ૧.૮ % છે, જે આરબીઆઈના અપેક્ષિત લક્ષ્યાંક ૨.૧ % થી નીચો છે. વધુમાં સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ૧ % થી ૧.૫ % નોંધાવાનો અંદાજ છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો આંકડો નજીવો વધ્યો છે. પરંતુ તે અપેક્ષિત લક્ષ્યાંકથી ઓછો છે. મોંઘવારીમાં વધારા પાછળનું એક મહત્ત્વનું પરિબળ સોનું રહ્યું છે. ઓગસ્ટમાં સોનાના ભાવમાં સરેરાશ ૪૦ % નો ઉછાળો નોંધાતાં સીપીઆઈ ફુગાવામાં ૪૩ બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે.
આગામી ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના દરોમાં ઘટાડો થવાનો છે. જેથી વપરાશ અને માગમાં વૃદ્ધિ નોંધાશે. પર્સનલ કેરની કિંમતમાં મોટો ઘટાડો નોંધાશે. ઓગસ્ટમાં વરસાદના કારણે પરિવહનમાં અડચણો નડતાં શાકભાજી અને ફળોના ભાવ વધ્યા છે. જ્યારે અનાજ અને કઠોળના ભાવમાં ઘટાડોનો દોર ચાલુ છે. ઈંધણ અને વીજળી પણ સસ્તા થયા છે. આ વર્ષે સાર્વત્રિક ધોરણે વરસાદ સારો રહ્યો છે. જેથી ગ્રામીણ માગ વધવાની શક્યતા છે. તદુપરાંત સરકારી ખર્ચ, ખાસ કરીને મૂડીગત ખર્ચ એપ્રિલથી જુલાઈ દરમિયાન વાર્ષિક ધોરણે ૩૩ % વધ્યો છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બીજા છમાસિકમાં મંદ પડશે. જે ૧૦ % ના બજેટીય વૃદ્ધિ નજીક રહેવાની શક્યતા છે.