ટ્રેનની મુસાફરી કરવા માટે એડવાન્સમાં એટલે કે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવનારાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ મુજબ આગામી મહિનાની પહેલી તારીખથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે.
પહેલી ઓક્ટોબરથી લાગુ થનાર નવા નિયમ મુજબ રિઝર્વેશન ખુલ્યાની શરૂઆતની ૧૫ મિનિટમાં માત્ર આધારનું વેરિફિકેશન ધરાવનારા લોકો જ ટિકિટ બુકિંગ કરાવી શકશે. એટલે કે આ દરમિયાન જેનું આધાર વેરિફિકેશન થયેલું હશે તેઓને જ ૧૫ મિનિટમાં તેનો લાભ મળશે. આ નિયમ આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે.
અત્યાર સુધી આવો નિયમ માત્ર તત્કાલ બુકિંગ પર લાગુ હતો, જોકે હવે સામાન્ય રિઝર્વ ટિકિટ પર પણ લાગુ થશે. રેલવેનો ઉદ્દેશ્ય ટિકિટ રિઝર્વેશન સિસ્ટમનો દુરુપયોગ અટકાવવાનો અને જરૂરિયાતવાળા મુસાફરોને પ્રાથમિકતા આપવાનો છે. આ નિર્ણયથી ટિકિટ મેળવવાનો પ્રયાસ કરનારા મુસાફરોને સીધો ફાયદો થશે અને દલાલો-બ્રોકર્સ દ્વારા ટિકિટ બ્લોક કરવાના પ્રયાસો અટકી જશે. આ નિર્ણયથી ટિકિટ બુકિંગ શરૂ થતાં જ તરત ટિકિટ મેળવવાનો પ્રયાસ કરતા મુસાફરોને સીધો ફાયદો થશે, કારણ કે દલાલો કે બ્રોકર્સ દ્વારા ટિકિટ બ્લોક કરવાનો પ્રયાસ અટકશે.
રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, નવો નિયમ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે જ છે. કમ્પ્યુટરાઈઝ્ડ પીએસઆર (પીઆરએસ) કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ માટે સમય કે પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેવી જ રીતે, ટિકિટ આપતા અધિકૃત એજન્ટો માટે પહેલાથી લાગુ ૧૦ મિનિટનો નિયમ યથાવત્ રહેશે.