એશિયા કપમાં ભારત સાથેની મેચ બાદ પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે. મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતાં પીસીબી એ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનની માંગ હતી કે મેચ રેફરીને પદથી હટાવવામાં આવે. જોકે હવે આઈસીસી એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી છે.
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે જો મેચ રેફરીને હટાવવામાં નહીં આવે તો અમે એશિયા કપનો બૉયકોટ કરીશું. પાકિસ્તાનની આગામી મેચ યુએઈ સામે છે. હવે જોવાનું રહેશે કે પાકિસ્તાનની પોતાની વાત પર મક્કમ રહે છે કે નહીં.
પીસીબી એ કહ્યું હતું, કે આઈસીસી એ મેચ રેફરીને તાત્કાલિક પદથી દૂર કરવા જોઈએ. કારણ કે તેમણે આચાર સંહિતા અને ક્રિકેટની ભાવનાઓનું ઉલ્લંઘન કર્યું છે. હાલમાં જ ૧૪ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ એકપણ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવ્યા ન હતાં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મેચમાં થયેલી કારમી હાર તેમજ ફજેતીના કારણે ભારતીય ખેલાડીઓ અને મેચ રેફરી વિરૂદ્ધ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે, સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. ભારતીય ખેલાડીઓની આ ગતિવિધિ કોડ ઓફ કંડક્ટના નિયમોનું ઉલ્લંઘન કરે છે. સૂર્યકુમારને હાથ ન મિલાવવાની સલાહ મેચ રેફરી એન્ડી પેક્રોફ્ટે આપી હતી. અમે મેચ રેફરી એન્ડી પેક્રોફ્ટને દૂર કરવાની માગ કરીએ છીએ. જો તેને દૂર નહીંકરાય તો અમે તેમની ટીમ સાથે કોઈ ટૂર્નામેન્ટ રમીશું નહીં.
આ મામલે અગાઉ બીસીસીઆઈ એ પણ જવાબ આપતા કહ્યું હતું, કે એવો કોઈ સત્તાવાર નિયમ નથી કે મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવવા જ પડે. આ તો માત્ર ખેલ ભાવના હેઠળ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે સંબંધો તણાવપૂર્ણ હોય તેવામાં ભારતીય ટીમ પર હાથ મિલાવવા માટે દબાણ કરી શકાય નહીં.