ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જન્મદિવસ છે. આ વિશેષ દિવસે એક ભવ્ય અને વિશ્વવ્યાપી સેવાયજ્ઞ ‘નમો કે નામ રક્તદાન’ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર છે. આ કાર્યક્રમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અલગ અલગ ૭૫ થી વધુ દેશોમાં પણ આ રક્તદાન અભિયાન યોજાશે.
પીએમ મોદીનો જન્મદિવસ નિમિત્તે વિશ્વવ્યાપી ‘નમો કે નામ રક્તદાન’ અભિયાન
શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને યુકે (યુકે) સહિતના અનેક દેશોમાં કુલ ૭૫૦૦ થી વધુ રક્તદાન કેમ્પો આયોજિત થવાનું છે. ખાસ કરીને, અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન થશે. આ ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન પોતાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાઈને કરશે.
ગુજરાત રાજ્યમાં આ દિવસે આરોગ્ય ક્ષેત્રે પણ વિશેષ પ્રયત્નો થશે. રાજ્યભરમાં અંદાજે ૧.૪૧ લાખથી વધુ હેલ્થ કેમ્પો યોજાશે, જ્યાં લોકોના આરોગ્યની તપાસ અને સારવાર આપવામાં આવશે.
આ મહાઅભિયાન હેઠળ ૫ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે રક્તની જરૂરિયાત ધરાવતા હજારો દર્દીઓને જીવનદાન આપશે. આ અભિયાન માત્ર રક્તદાન નહીં, પણ એક સમાજસેવા, એકતાની ભાવના અને માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે ઓળખાશે.
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ઇએનટી સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.
વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કુલ ૧,૪૧,૦૩૭ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્પનો સમાવેશ થાય છે
આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, એમઆરઆઈ સી.ટી. સ્કેન વગેરે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુમાં ૧૫ દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે.