અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે. ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ‘અમેરિકા સરકાર સિટીઝનશિપ ટેસ્ટને ફરીથી વધુ મુશ્કેલ બનાવશે, જેમાં વધુ જટિલ સવાલો હશે.’ નોંધનીય છે કે, અમેરિકાના નાગરિક બનવા માટે આ ટેસ્ટ આપવી જરૂરી છે. ૨૦ મી ઓક્ટોબરના રોજ અથવા તે પછી અરજી કરનારાઓ માટે ટેસ્ટ આપવી જરૂરી રહેશે. અરજદારોને ટેસ્ટ પાસ કરવાની બે તકો મળશે, ત્યારબાદ તેમણે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવી પડશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું હતું કે, સુધારેલી પરીક્ષા ખાતરી કરશે કે નવા નાગરિકો અમેરિકાની મહાનતામાં યોગદાન આપે છે. નવી ટેસ્ટ હેઠળ અરજદારોએ હવે ૨૦ માંથી ૧૨ સવાલોના સાચા જવાબ આપવા પડશે, જે ૧૦ માંથી ૬ હતા. સરળ સવાલોની સંખ્યા ઘટાડવામાં આવી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળના અંતે ટેસ્ટમાં ફેરફારો લાગુ કર્યા. નવી સિસ્ટમ પહેલી ડિસેમ્બર ૨૦૨૦ થી ૩૦ મી એપ્રિલ, ૨૦૨૧ સુધી અમલમાં હતી, ત્યારબાદ બાઈડેન વહીવટીતંત્રે તેને સમાપ્ત કરી અને ટેસ્ટને સરળ બનાવી હતી.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઈએસ)ના ડિરેક્ટર જોસેફ એડલોએ જુલાઈમાં કહ્યું હતું કે, ‘ટેસ્ટ ખૂબ જ સરળ હતી. હવે લેવામાં આવતી ટેસ્ટ ખૂબ મુશ્કેલ નથી. જવાબો યાદ રાખવા ખૂબ જ સરળ છે.’
યુ.એસ. સરકાર ૧૯૦૦ ના દાયકાથી એક યા બીજા સ્વરૂપમાં સિટીઝનશિપ ટેસ્ટ ચલાવી રહી છે. જોકે, કોઈ પ્રમાણિત ટેસ્ટ નહોતી. ૧૯૫૦ ના આંતરિક સુરક્ષા કાયદાએ નાગરિકતા માટે અમેરિકન ઇતિહાસ અને નાગરિકશાસ્ત્રનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું. યુએસસીઆઈએસ અનુસાર, સિટીઝનશિપ ટેસ્ટમાં પાસ થવાનો વર્તમાન દર ૯૧ % છે.