જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણની સ્થિતિ સર્જાઈ છે. માહિતી અનુસાર બસંતગઢના પહાડોમાં જૈશના ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આ દરમિયાન સામ-સામેથી ભારે ગોળીબાર ચાલુ છે. આ સૌની વચ્ચે એક સૈન્ય જવાન ઈજાગ્રસ્ત થયો હતો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થઈ ગયો.
ભારતીય સૈન્યના જણાવ્યાનુસાર ગુપ્ત માહિતીના આધારે સૈન્ય, એસઓજી અને પોલીસે સંયુક્તરૂપે સોજધારના ચઢાણવાળા વિસ્તારોમાં અભિયાન હાથ ધર્યું હતું. જ્યાં આતંકીઓની હાજરી કન્ફર્મ થયા બાદ ગોળીબારની સ્થિતિ સર્જાઈ હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીએ આ મામલે એક્સ પર એક પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે કિશ્તવાડના સામાન્ય વિસ્તારમાં વ્હાઈટ નાઈટ કોરના સૈનિકો આતંકીઓ સાથે મોડી રાતથી બાથ ભીડી રહ્યા છે.