દીવાલની આરપાર જોઇ શકાય તેવા ચશ્માનું કહી રૂ.31 લાખની છેતરપિંડી કટકે કટકે રૂપિયા લઇ આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કર્યુ
સુરતમા રહેતા યુવક અને તેના મિત્રને એન્ટીક વસ્તુઓ આપવાનું કહીં વિજપડીના 2 શખ્સોએ સુલેમાની પથ્થર અને દિવાલની આરપાર જોઇ શકાય તેવા ચશ્મા બતાવી કટકે કટકે 31.13 લાખ પડાવી છેતરપીંડી આચરતા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ હતી.
સુરતમા પુષ્પક સોસાયટી એકે રોડ ખાતે રહેતા વિઠ્ઠલભાઇ ઉર્ફે વિજયભાઈ બાવાભાઈ લખાણી ટેક્ષટાઇલ અને ચણીયા ચોળીનો વેપાર કરે છે. અમરેલી રહેતા તેમના મિત્ર ટીકુભાઇ થકી વિજપડીમા રહેતા દિલાભાઇ ઉર્ફે દિલાવર નનુભાઇ ચૌહાણનો સંપર્ક થતાં દિલાવર તેમજ તેના મિત્ર સોહમ ઉર્ફે ધબડક બંનેએ સુલેમાની પથ્થર અને દિવાલની આરપાર જોઇ શકાય તેવા ચશ્મા બતાવ્યા હતા. અને બંનેને વિશ્વાસમા લીધા હતા. તેમણે આ વસ્તુની કિમત 30 લાખ થશે તેમ જણાવ્યું હતુ. બંને યુવકોએ સ્થળ પર જ પાંચ લાખ રોકડા આપી અને સુરત પરત જતા રહ્યાં હતા. બાદમા કટકે કટકે કુલ 31.13 લાખ પડાવી છેતરપીંડી આચરી ફોન ન ઉપાડતા ફરિયાદ નોંધાવાઇ છે.