રામાયણમાં કૈકયીના કારણે રાજા દશરથે શ્રીરામને 14 વર્ષ માટે વનવાસ જવાનો આદેશ આપ્યો હતો. શ્રીરામ વનવાસ જઈ રહ્યા હતાં, ત્યારે દેવી સીતાએ પણ સાથે જવાની ઇચ્છા જણાવી.
શ્રીરામ જાણતા હતા કે સીતા સુકોમળ રાજકુમારી છે. તેમણે ક્યારેય વનનું જીવન જોયું નથી. વનમાં રહેવું કોઇ રાજકુમારી માટે શક્ય નથી. શ્રીરામજીએ સીતાને આ વાત સમજાવી અને કહ્યું કે વનમાં જંગલી જાનવર પણ હોય છે, તેમના કારણે આપણાં પ્રાણ સંકટમાં પડી શકે છે. એટલે તમારે આ મહેલમાં રહેવું જોઈએ અને ત્રણેય માતાઓની સેવા કરવી જોઇએ.
શ્રીરામના સમજાવ્યા પછી પણ દેવી સીતા માન્યા નહીં અને પતિની સેવાને જ પોતાનો ધર્મ જણાવતી રહી. ત્યારે શ્રીરામજીએ સીતાની ઈચ્છાનું સન્માન કર્યું અને તેમને પણ વનમાં સાથે લઇ જવા માટે તૈયાર થઇ ગયાં. દેવી સીતાએ પણ દરેક પગલે શ્રીરામનો સાથ આપ્યો. સુખ હોય કે દુઃખ દરેક પરિસ્થિતિમાં દેવી સીતા શ્રીરામ સાથે ચાલ્યાં.
તે સમયે બધા રાજાઓ અનેક લગ્ન કરતા હતાં, રાજાઓની અનેક રાણીઓ હતી, પરંતુ શ્રીરામજીએ સીતાને લગ્ન પછી વચન આપ્યું હતું કે તેઓ કોઇ અન્ય સ્ત્રી સાથે ક્યારેય લગ્ન કરશે નહીં. સંપૂર્ણ જીવન માત્ર સીતાજી જ તેમની પત્ની રહેશે. શ્રીરામજીએ આ વચન પાળ્યું પણ ખરું.
બોધપાઠ– શ્રીરામ અને સીતાજી પાસેથી પતિ-પત્નીએ આ બોધપાઠ લેવો જોઈએ કે જીવનસાથીની ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ. સુખ-દુઃખ, કેવો પણ સમય હોય, દરેક ક્ષણ એકબીજાની મદદ કરવી જોઈએ. ત્યારે લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.