વિશ્વ ના સમાચાર તસવીરોમાં : મહિલાઓને કોરોના કાળમાં ગર્ભવતી ન થવા અપીલઃ સંગીત વગાડીને ઉગાડી કીમતી શક્કરટેટ્ટી; એક જ બેડ પર બે કોરોના દર્દી

મહિલાઓને કોરોનાકાળમાં ગર્ભવતી ન થવા અપીલ

બ્રાઝિલની હોસ્પિટલો કોવિડ-19ના દર્દીઓથી ઉભરાઈ રહી છે
બ્રાઝિલની હોસ્પિટલો કોવિડ-19ના દર્દીઓથી ઉભરાઈ રહી છે

બ્રાઝિલમાં કોરોનાનો કહેર આતંક વરસાવી રહ્યો છે અને ટપોટપ લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે કબ્રસ્તાનમાં સતત કબર ખોદવાનું કામ ચાલુ છે. એવામાં બ્રાઝિલના આરોગ્ય વિભાગે ખાસ પત્રકાર પરિષદ યોજીને મહિલાઓને અપીલ કરી છે કે પ્લીઝ, કોરોના કાળમાં ગર્ભવતી થવાનું ટાળશો. વિચિત્ર એવી આ અપીલ એટલા માટે કરવામાં આવી છે કે બ્રાઝિલના આરોગ્ય વિભાગના અધિકારીના અનુસાર, બ્રાઝિલમાં હાલ જે કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ફેલાયો છે તે ગર્ભવતી મહિલાઓને આક્રમક રીતે નિશાન બનાવી શકે એવી શક્યતા છે. આરોગ્ય અધિકારી રાફેલ પેરેન્ટે કહ્યું હતું કે અગાઉના કોરોના વાયરસ વેરિએન્ટ કરતાં નવો વેરિએન્ટ ખૂબ ખતરનાક છે.

સંગીત વગાડીને ઉગાડી કિંમતી શક્કરટેટ્ટી

મલેશિયાના ખેડૂતોએ એક દાયકા પછી શકરટેટ્ટી ઉગાડી છે. તમને થશે કે આમાં જાણવાનું શું છે. વાસ્તવમાં, મલેશિયન કંપની મોનો પ્રિમિયમ મેલનના ખેડૂતોએ જાપાનીઝ મસ્કમેલન એટલે કે શકરટેટ્ટી ઉગાડવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા. વાસ્તવમાં જાપાનીઝ મસ્કમેલન ઊંચી ગુણવત્તાનું ફળ હોય છે. મલેશિયન ખેડૂતોએ એવી જ ગુણવત્તા સાથે મસ્કમેલન ઉગાડવા કોશિશ કરી અને તેઓ તેમાં સફળ પણ થયા છે. રસપ્રદ એ છે કે આ શક્કરટેટ્ટીનો વિકાસ યોગ્ય અને મોટાપ્રમાણમાં થાય એટલા માટે સંગીતની સુરાવલિઓ પણ કંપનીના ગ્રીનહાઉસમાં રેલાવવામાં આવી. એટલું જ નહીં, જાપાનીઓ જેમ માવજત કરે છે તેમ હાથમાં ગ્લવ્ઝ પહેરીને મસ્કમેલન પર હળવે હાથે મસાજ પણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને જાપાનમાં ‘તામા ફૂકી’ તરીકે ઓળખવામાં આવે છે. આ શક્કરટેટ્ટીની કિંમત પણ સારી એવી છે. પ્રતિ નંગ આ જાપાનીઝ શક્કરટેટ્ટી માત્ર રૂ. 3000 આસપાસની કિંમત (40.70 ડોલર)માં વેચાય છે!. એટલે જ જાપાનીઝ મસ્કમેલનને દુનિયાના સૌથી મોંઘા ફળોમાંનું એક કહેવામાં આવે છે.

એક જ બેડ પર બે કોરોના દર્દી

ભારતમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. દેશના 10 રાજ્યોમાં મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસો રોજિંદા ધોરણે આવી રહ્યા છે. હાલત એવી છે કે હોસ્પિટલોમાં અંધાધૂંધી થઈ ગઈ છે અને દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા છે. દિલ્હીની લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલની આ તસવીર જૂઓ, જેમાં એક જ બેડ પર બે કોવિડ-19 દર્દીઓને સૂવડાવી દેવાયા છે.

જુરાસિક કોસ્ટમાં ભૂસ્ખલન, બીચ પર અવરજવર બંધ

બ્રિટનના જુરાસિક કોસ્ટ પરના ખડકાળ વિસ્તારમાં મોટા પાયે ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે ત્યાંનો બીચ હાલ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. જો કે ભૂસ્ખલનની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *