ચૂંટણીવાળા રાજ્યો કેરળ, આસામ, તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ રોકડ રકમ અને દારૂનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે કરવામાં આવનાર હતો. ૨૦૧૬માં આ પાંચ રાજ્યોમાં ચૂંટણી વખતે જેટલી રોકડ રકમ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેના કરતા ૨૦૨૧ની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલ રોકડ રકમ અને દારૂનું મૂલ્ય ચાર ગણું વધારે છે.
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર પાંચ રાજ્યો પૈકી તમિલનાડુમાં સૌૈથી વધુ ૪૪૬.૨૮ કરોડ રૂપિયાની રોકડ રકમ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે. તમિલનાડુ પછી પશ્ચિમ બંગાળમા અત્યાર સુધીમાં ૩૦૦.૧૧ કરોડ રૂપિયાની રોકડ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. જે ૨૨,૨૬ અને ૨૯ એપ્રિલના રોજ યોજાશે.
આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે. પાંચેય રાજ્યો આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં બીજી મેના રોજ મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણી પંચના અહેવાલ મુજબ આસામમાં ચૂંટણી દરમિયાન કુલ ૧૨૨.૩૫ કરોડ રૂપિયાની રોકડ રકમ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. કેરળમાં ૮૪.૯૧ કરોડ રૂપિયા અને પુડુચેરીમાં ૩૬.૯૫ કરોડ રૂપિયાની રોકડ રકમ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
આમ પાંચ રાજ્યોમાં કુલ ૧૦૦૧.૪૪ કરોડ રૂપિયાની રોકડ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આ જ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ ૨૨૫.૭૭ કરોડ રૂપિયાની રોકડ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. એટલે કે આ પાંચ રાજ્યોમાં ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં આ રકમ ચાર ગણી વધી ગઇ છે. જે એક ગંભીર બાબત છે.