રેમડેસિવિર કૌભાંડ : આ કાળાબજારીઓ ક્યાંથી લાવે છે ઇન્જેક્શન?

કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં રેમડેસિવિરનો પૂરતો જથ્થો ન હોવાની ફરિયાદો મળી રહી છે.

જ્યારે બીજી તરફ ગુજરાતમાં રેમડેસિવિરની અછતનો લાભ લઈ ઇન્જેક્શનની કાળાબજારી પણ કરાઈ રહી હોવાની વાત સામે આવી છે.

શનિવારે સુરત પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનનું કથિત કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને છ લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક ખાનગી હૉસ્પિટલના પાર્ટનર પણ સામેલ છે.

પોલીસે 12 રેમડેસિવિર ઇન્જેક્શન અને રૂપિયા 2,45,000 રોકડા કબજે કર્યાં છે.

શનિવારે સુરત પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનનો કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને 6 લોકોની ધરપકડ કરી હતી

પોલીસે તમામ આરોપી સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 409, 420 અને 102 (બી), એસેન્શિયલ કૉમૉડિટી ઍક્ટની કલમ 3, 7 અને 11, ડિઝાટર મૅનેજમૅન્ટ ઍક્ટની કલમ 53 અને ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટની કલમ 27 (બી) (2) મુજબ કેસ નોંધ્યો છે.

જે વખતે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે સુરત શહેરમાં અને રાજ્યનાં અન્ય શહેરોમાં રેમડેસિવિરની અછત જોવા મળી રહી છે, ઇન્જેક્શન મેળવવા લાગતી લાંબી લાઇનો અછતની દેખીતી તસવીર છે.

તાજેતરમાં સુરત શહેર ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચવાની શરૂઆત કરાઈ હતી, જે પણ રેમડેસિવિરની અછત હોવાના આક્ષેપનું દેખીતું ઉદાહરણ છે.

પ્રશ્ન એ સર્જાય છે કે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં આ ઇન્જેક્શન મળી નથી રહ્યાં, ત્યારે આ કાળાબજારીઓ ક્યાંથી મેળવી લાવે છે?

કઈ રીતે ઇન્જેક્શન મેળવતા હતા?

કોરોના વાઇરસના દરદીઓના આધારકાર્ડની નકલનો ઉપયોગ કરીને રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં આવતું હતું

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસ મુજબ સુરતના મોટા વરાછામાં નિત્યા હૉસ્પિટલના ભાગીદાર વિવેક હિંમત ધામેલિયા આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર છે.

નિત્યા હૉસ્પિટલમાં દાખલ કોરોના વાઇરસના દર્દીઓના આધારકાર્ડની નકલનો ઉપયોગ કરીને વિવેક ધામેલિયા સુરત સિવિલ હૉસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન મગાવતા હતા. તેઓ સિવિલ હૉસ્પિટલમાંથી એક ઇન્જેક્શનના 670 રૂપિયા ચૂકવતા હતા.

સુરત પોલીસકમિશનર અજય તોમરે જણાવ્યું કે વિવેક ઇન્જેક્શન યોગેશ ક્વાડને વેચતા હતા અને ક્વાડ આ ઇન્જેક્શન સુરતના ગોડાદરાસ્થિત ફ્યુઝન પૅથૉલૉજી લૅબને વેચી દેતા હતા.

તેમણે જણાવ્યું કે યોગેશ ક્વાડ 4000 રૂપિયામાં એક ઇન્જેક્શન ફ્યુઝન લૅબને આપતા હતા અને લૅબ જરૂરિયાતમંદ વ્યક્તિને એક ઇન્જેક્શન 12000 રૂપિયામાં વેચતી હતી. જરૂરિયાતમંદ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ફ્યુઝન લૅબે માણસો પણ રાખ્યા હતા.

તેમણે જણાવ્યું કે “અમારા ડમી ગ્રાહકે 70000 રૂપિયામાં 6 ઇન્જેક્શન લેવાની તૈયારી દર્શાવતા તેમને ફ્યુઝન લૅબ આવવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે રેડ કરીને વધુ 6 રેમડેસિવિર ઇન્જેક્શન પણ કબજે કર્યાં છે.”

અજય તોમરે બીબીસીને જણાવ્યું કે “અત્યાર સુધી ગૅંગ દ્વારા કેટલા લોકોને ઇન્જેક્શન વેચવામાં આવ્યાં છે, તે વિશે તપાસ ચાલી રહી છે અને આ ગૅંગમાં બીજા લોકો જોડાયા છે કે કેમ તે વિશે પણ તપાસ કરી રહ્યા છીએ.”

ડેપ્યુટી કમિશનર (ક્રાઇમ) રાહુલ પટેલે બીબીસીને જણાવ્યું કે “આ ગૅંગ અગાઉ પણ આ રીતે ઇન્જેક્શન વેચતી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં અમે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છીએ અને સાથે એ લોકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમણે આ ગૅંગ પાસેથી ઇન્જેક્શન લીધાં હોય.”

અગાઉ પણ આવી ગૅંગ પકડાઈ છે

ગુજરાતમાં અગાઉ પણ રેમડેસિવિરના કાળાબજાર કરતી ગૅંગ પકડાઈ ચૂકી છે

કિસ્સો 1 – રવિવારે વડોદરામાં પોલીસે રેમડેસિવિરના કાળાબજાર બદલ એક ડૉક્ટર સહિત બે લોકોની ધરપકડ કરી હતી.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર રેમડેસિવિર ઇન્જેક્શન 7,500 રૂપિયામાં વેચવા બદલ પોલીસે આયુર્વેદિક ડૉક્ટર ધીરેન નાગોરાની ધરપકડ કરી હતી.

તપાસમાં નાગોરાએ કબૂલાત કરી હતી કે એક નર્સ પણ આ રૅકેટમાં સામેલ છે.

કિસ્સો 2 – ગુરુવારે વલસાડ પોલીસે વાપી જીઆઈડીસીમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારના મામલે બે વ્યક્તિની ધરપકડ કરી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર વાપી જીઆઈડીસીમાં ફર્નિચરનો શોરૂમ ધરાવતા વરુણ કુંદ્રાની રેમડેસિવિર ઇન્જેક્શન 12000 રૂપિયામાં વેચવા બદલ ધરપકડ કરાઈ હતી.

પોલીસ કર્મચારીએ ડમી ગ્રાહક બનીને આ કાળાબજારનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે કુંદ્રાના સાથી મનીષ સિંહની દમણના દાભેલથી ધરપકડ કરી હતી અને તેમની પાસેથી છ ઇન્જેક્શન કબજે કર્યાં હતાં.

કિસ્સો 3 – જુલાઈ 2020 માં રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેકશનની કાળાબજારી કરતી ગૅંગનો પર્દાફાશ કર્યો હતો.

કાર્યવાહીમાં અધિકારીઓએ 18.50 લાખ રૂપિયાનાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કબજે કર્યાં હતાં.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ગૅંગ બાંગ્લાદેશથી બંને ઇન્જેક્શન ભારત લાવીને ઊંચી કિંમતે વેચતી હતી. ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે સુરત અને અમદાવાદમાં ચાર લોકોની ધરપકડ પણ કરી હતી.

કિસ્સો 4 – હાલમાં રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન ઊંચા ભાવે વેચવાના ચાર ગુનામાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

કોરોના વાઇરસની મહામારીમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ચારથી પાંચ હજાર રૂપિયાનાં ઇન્જેક્શન 10થી 12 હજાર રૂપિયામાં વેચવામાં આવતાં હતાં.

રાજકોટ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓ નોંધ્યા છે. જે પૈકી બે ગુના તેમણે જાતે નોંધ્યા છે, જ્યારે અન્ય બે ગુના ફૂડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળીને નોંધ્યા છે.

રેમડેસિવિરની કાળાબજારીમાં રાજકોટ પોલીસે બે ગુનામાં હૉસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ અને એક આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે.

રેમડેસિવિરની અછતને કાબૂમાં કરવા શું કરાઈ રહ્યું છે?

ફાર્માસ્યુટિકલ વિભાગે રેમડેસિવિર બનાવનારી કંપનીઓ પાસેથી 38 લાખ વાઇલ (દવાની શીશી)નું ઉત્પાદન કરવા માટે કહ્યું છે.

ભારત જ્યારે કોરોના વાઇરસની બીજી લહેર સામે લડી રહ્યું છે અને કોરોનાના કેસે ગત વર્ષના સપ્ટેમ્બર (કોરોનાની પ્રથમ લહેર)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. તો દેશમાં રેમડેસિવિરની અછતનું કારણ શું છે?

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગત ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રેમડેસિવિરની લગભગ નહિવત્ માગ હતી એટલે આનું ઉત્પાદન અટકાવી દેવાયું હતું.

સ્પષ્ટ છે કે ત્રણ મહિના સુધી ઉત્પાદન ન બરાબર થવું આ દવાના પુરવઠાની ઘટ પાછળનું મોટું કારણ છે. ભારતમાં સાત કંપનીઓ (માયલેન, હેટ્રો હેલ્થ કૅર, જુબલિયન્ટ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ્ લૅબ, સન ફાર્મા અને ઝાયડસ) રેમડેસિવિરનું ઉત્પાદન કરે છે.

હવે કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં લોકો મોટા પ્રમાણમાં રેમડેસિવિર ખરીદી રહ્યા છે અને સંગ્રહ પણ કરી રહ્યા છે.

ફાર્માસ્યુટિકલ વિભાગે રેમડેસિવિર બનાવનારી કંપનીઓને 38 લાખ વાઇલ (દવાની શીશી)નું ઉત્પાદન કરવા માટે કહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિર કોને આપવામાં આવશે એ અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. વિભાગ દ્વારા એક ફૉર્મ જાહેર કરાયું છે, જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ, તાવ સહિતની જરૂરી જાણકારી ભરવી પડશે.

તેના પર હૉસ્પિટલના ઇન્ચાર્જે સહી કરવી પડશે અને ત્યારે જ રેમડેસિવિર આપવામાં આવશે.

દવાની કાળાબજારી ન થાય એ માટે દેશની વિવિધ સરકારોએ રેમડેસિવિરની કિંમતો પણ નક્કી કરી છે.

શનિવારે સમાચાર સંસ્થા એએનઆઈ ટ્વીટ કરીને જણાવ્યું કે ભારત સરકાર અને દવા ઉત્પાદક કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *