DyCM નીતીન પટેલ ની જાહેરાત : હાલ રાજયમાં લૉકડાઉનની સ્થિતિ નહીં

રાજ્યમાં હાલ લોકડાઉન અંગે કોઇ નિર્ણય ન લેવાયો હોવાનું મહત્વપૂર્ણ નિવેદન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાનના આ નિવેદન બાદ રાજ્યમાં વહેતી થયેલી લોકડાઉનની અફવાઓ પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. જોકે આ સિવાય કોરોનાકાળમાં રાજ્ય સરકારે દર્દીઓને રાહત મળે તેવા કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા છે. જેમાં ખાનગી લેબમાં થતા વિવિધ ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરાયો છે.

રાજ્ય સરકારે કરેલા નિર્ણય મુજબ હવે ઘરેથી લેવાતા સેમ્પલનો ચાર્જ 900 રૂપિયા કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘરેથી સેમ્પલ માટે 1100 રૂપિયા વસૂલાતા હતા. તો આવી જ રીતે RT-PCRનો ચાર્જ 100 રૂપિયા ઘટાડીને 700 રૂ. કરાયો છે. આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે. તો મા કાર્ડ ધારકો માટે પણ મોટી રાહતની જાહેરાત કરાઇ છે. 31 માર્ચે પૂર્ણ થતી મા કાર્ડની સમયમર્યાદા વધારીને 30 જૂન કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ લાભાર્થીઓએ મા કાર્ડનો લાભ લીધો છે.

માં કાર્ડની મુદ્દત 3 મહિના વધારાઇ
મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે 3 મહિનાની મર્યાદા વધારાઇ છે.આ કાર્ડ હવે 30-6 સુધી અમલમાં રહેશે અને આ બાદ સ્થિતિ મુજબ ફરીથી નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારના ખર્ચે 40.99 લાખ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું પણ નીતિન પટેલે ઉમેર્યું હતું

કલેક્ટરો તથા DSPને જવાબદારી સોંપાઇ
ગુજરાતમાં ઉત્પાદન થતો ઓક્સિજનનો તમામ જથ્થો મેડિકલ ઉપયોગમાં લેવામાં આવશે. જે અંગે કલેક્ટરો તથા DSPને જવાબદારી સોંપવામાં આવી છે.પોલીસ દ્વારા આ પ્રકારના ઓક્સિજનની ટેન્કોને લાવવા-લઈ જવા માટે પાઈલોટિંગની સેવા આપવામાં આવી છે. સરકારે દરેક જિલ્લામાં લેબોરેટરી વધારવા અંગે પણ જાહેરાત કરી છે. સરકારના આરોગ્ય વિભાગે પણ લેબોરેટરી અને સેમ્પલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મશીનો વધાર્યા હોવાનું આરોગ્ય મંત્રીએ કહ્યું છે. સાથે જ સરકાર ખાનગી લેબોરેટરીઓને પણ ઝડપથી મંજૂરી આપવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને કોવિડ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્શનો પૂરા પાડવાની વ્યવસ્થા કરાઈ છે.

સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મફતમાં અપાય છે
રોજના 20000ની આજુબાજુની સંખ્યામાં ઈન્જેક્શનો જિલ્લાઓ અને મહાનગરોને મોકલીએ છીએ. સરકારી હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનો મફત અપાય છે અને ખાનગી હોસ્પિટલોમાં જરૂર મુજબ તેને મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *