કોરોનાના કહેર વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે શ્રમિકો પણ લોકડાઉનની આશંકાથી સામૂહિક હિજરત કરવા માંડયા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ ગભરાટ ફેલાયો છે. બીજી તરફ સરકારની નીતિઓ અંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝના અધ્યક્ષ અનિમેશ સક્સેનાએ નાણામંત્રી નિર્મલા સિતારમન સાથે ફોન પર વાત કરી હતી.
સક્સેનાએ કહ્યુ હતુ કે, નાણા મંત્રીએ ખાતરી આપી છે કે, દેશવ્યાપી સ્તરે લોકડાઉન લગાવવાની સરકારની કોઈ યોજના નથી. કોરોના સંક્રમણને રોકવા માટે નાના નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવાશે પણ આખા દેશમાં લોકડાઉન નહીં લગાવાય.
નાણામંત્રીએ કહ્યુ હતુ કે, પીએમ મોદી અને અમિત શાહ દેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રાજ્યોમાં ઓક્સિજન તેમજ દવાઓની કોટ નહીં પડવા દેવાય. વેક્સીનેશન કાર્યક્રમ પણ પૂરજોશમાં ચલાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિક્કી સહિતના ઔદ્યોગિક સંગઠનો પહેલા જ સરકારને દેશવ્યાપી લોકડાઉન નહીં લગાવવા માટે અનુરોધ કરી ચુક્યા છે. સંગઠનોનુ કહેવુ છે કે, મહારાષ્ટ્રમાં તો લોકડાઉન જેવી સ્થિતિ છે જ અને દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં પણ કોરોના સંક્રમણના કારણે હાલત બગડી રહી છે. આ સંજોગોમાં દેશવ્યાપી લોકડાઉન દેશની ઈકોનોમીને બહુ મોટો ફટકો મારશે.