કોરોનાવાયરસ સાથેની લડાઈને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે PM નરેન્દ્ર મોદીને લેટર લખ્યો, એમાં તેમણે કેટલાંક સૂચનો આપ્યા હતા. એના એક દિવસ પછી સોમવારે સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષ વર્ધને મનમોહનના પત્ર પર જવાબ આપ્યો છે. હર્ષ વર્ધને કહ્યું હતું કે મનમોહન સિંહ એમ માને છે કે વાયરસ સામેની લડાઈમાં સૌથી મહત્ત્વનું હથિયાર વેક્સિન છે. જોકે એ વાત વિચાર માગી લે એવી છે કે તેમની પાર્ટીના નેતા જ આ અંગે સવાલ ઉઠાવે છે.
રવિવારે પૂર્વ PMએ લખ્યો હતો પત્ર
આ પહેલાં રવિવારે મનમોહને મોદીને લખેલા લેટરમાં સૂચન કર્યું હતું કે જવાબદાર એજન્સીઓ દ્વારા એપ્રૂવ કરવામાં આવેલી વેક્સિનને ભારતમાં ટ્રાયલની શરત વગર મગાવવામાં આવે. લાઈસન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવે અને ફ્રન્ટલાઈન વોરિયર્સની કેટેગરી નક્કી કરવામાં રાજ્યને સગવડતા આપવામાં આવે. મનમોહને લેટરમાં મોદીને પાંચ સલાહ આપી હતી.
મનમોહને હર્ષ વર્ધનને લેટર લખ્યો
ડો.હર્ષ વર્ધને લખ્યું છે, કોરોનાની સામેની લડાઈમાં રચનાત્મક સહયોગ લઈને તમે જે પત્ર વડાપ્રધાનને લખ્યો એ મેં વાંચ્યો. તમે કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન ડ્રાઈવ પર ભાર આપ્યો, જેને અમે માનીએ છીએ. આ કારણે અમે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું અને 10 કરોડ, 11 કરોડ અને 12 કરોડ વેક્સિન લગાવવા જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી.
તેમણે લખ્યું છે કે તમે એ પણ સલાહ આપી છે કે વેક્સિનેશનના આંકડા સંખ્યામાં નહિ, પરંતુ વસતિ મુજબ ટકાવારીમાં આપવા જોઈએ, આ વાત પણ ખોટી નથી. મને લાગે છે કે તમે પણ મારી જેમ માનતા હશો કે આ પ્રક્રિયા દરેક જગ્યાએ એક જેવી રીતે જ થવી જોઈએ. તમારી કોંગ્રેસ પાર્ટીના જુનિયર મેમ્બર્સે પણ આ પ્રકારની સલાહનું પાલન કરવું જોઈએ. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં ટોટલ કેસ, પોઝિટિવિટી રેટ, એક્ટિવ કેસ, મોતના મામલામાં સંખ્યા અંગે ચર્ચા ન થવી જોઈએ, જ્યારે તમારી પાર્ટીના સભ્યો આમ જ કરે છે. જ્યારે વાત વેક્સિનની આવે છે તો તેઓ જનસંખ્યા મુજબના હિસાબ પર વાત કરે છે.
તેમણે લખ્યું છે કે આ ખૂબ જ દુ:ખ પહોંચાડનારી વાત છે કે તમે એમ માનો છો કે વેક્સિન કોરોના સામેની લડાઈમાં મહત્ત્વની છે, જોકે તમારી પાર્ટીમાં જવાબદાર પદો પર બેઠેલા લોકો જ આ વાત સાથે સહમત નથી. શું એ ભારત માટે ગર્વની વાત નથી કે એ એકલો દેશ એવો છે જેણે 2 વેક્સિન બનાવી લીધી છે? એ ચોંકાવનારું છે કે તમારી પાર્ટીના એકપણ સભ્યએ આ સ્થિતિમાં વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકો અને મેન્યુફેકચર્સના સન્માન એકપણ શબ્દ કહ્યો નથી.


