ખાનગી ઓફિસો પર AMCની તવાઈ, 427 પ્રોપર્ટીની તપાસ, નિયમ વિરૂદ્ધ સ્ટાફ ભેગો કરનારા એકમ સિલ કરાયા

ગુજરાતમાં અને એમાં પણ જે રીતે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે તેને લઈને હવે AMC તંત્ર એક્શનમાં આવ્યું છે. થોડાક સમય પહેલાજ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી તેના અમલીકરણ માટે હવે કોર્પોરેશન મેદાનમાં ઉતર્યું છે. અમદાવાદની ખાનગી ઓફિસોમાં તવાઈ બોલાવતા કોર્પોરેશન દ્વારા 427 સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખાનગી એકમો દ્વારા ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની તપાસમાં બહાર આવ્યું હતું કે 5 સ્થળ પર 50 ટકા કરતા વધારે સ્ટાફ કામ કરતો હોવાથી તે પ્રોપર્ટી સીલ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં વધતા કોરોના કેસ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો હતો કેખાનગી એકમમાં 50% કરતા નીચે સ્ટાફ કામ કરશે. જો કે કોર્પોરેશનનાં નિયમોને ગણકાર્યા વગર આ ખાનગી એકમો કામ કરી રહ્યા હતા.

કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ પ્રકારે ચેકિંગની કામગીરી કરતી રાખવામાં આવશે કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે ઓછો લોકો એક જ જગ્યા પર ભેગા થાય. આ પ્રક્રિયાને લઈને સંક્રમણને ઓછું કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કાર્યવાહી કરવામાં આવેલા એકમ

  • ગેલોપ્સ ઓટોહસ, મકરબા
  • મેસર્સ સી એન્ડ એસ, એસજી હાઇવે
  • એક્સિસ બેંક (હેલ્પ ડેસ્ક) થલતેજ
  • રિદ્ધિ કો. સર્વિસીસ, સરદાર પટેલ મોલ નિકોલ
  • ક્રિષ્ના ડાયમંડ્સ, જડેશ્વર કોમ્પલેક્સ, વસ્ત્રાલ

જણાવવું રહ્યું કે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ સંક્રમિત શહેર બની ગયું છે, ગત વર્ષે કોરોના આવ્યો ત્યારે પણ આટલા કેસ નહોતા આવતા જ્યારે અત્યારે આવી રહ્યાં છે. નવો સ્ટ્રેઈન બુલેટ ગતિએ ફેલાઈ રહ્યો છે, રાજ્યમાં એક્ટિવ કેસ 18 હજારથી વધુ છે તો  મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર છે.

રાજ્યમાં કોરોનાની સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીની સાથે જ સૌથી વધુ નુકસાન અમદાવાદને ભોગવવું પડ્યું છે. રાજ્યના કુલ 4 લાખ કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે. બીજી તરફ, દેશભરનાં મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર છે. અહીં મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે.

માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, ત્યારબાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકોની બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમાં સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *