ચેન્નાઈમાં આજે આઈપીએલ 2021ની 13મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ મુંબઈ સામે 6 વિકેટે જીત મેળવી હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમમાંથી રોહિત શર્મા સિવાયના બેટ્સમેનો ખાસ કંઈ કરી શક્યા નહોતા. દિલ્હીના અમિત મિશ્રા ની ફિરકી સામે મુંબઈની ટીમે મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. 20 ઓવરના અંતે 9 વિકેટે 137 રન મુંબઈ કર્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.1 ઓવરમાં લક્ષ્યાંક પાર પાડીને જીત મેળવી હતી.
દિલ્હીની કેપીટલ્સ બેટિંગ
ઓપનર પૃથ્વી શો શરુઆતમાં જ 7 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને સ્ટીવ સ્મિથે રમતને સંભાળી હતી. બંને અર્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. ધવને 42 બોલમાં 45 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથે 29 બોલમાં 33 રન કર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 7 રન કર્યા હતા. લલીત યાદવે 25 બોલમાં 22 રન કર્યા હતા. શિમરોન હેયટમેરે 9 બોલમાં 14 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ચાર રનની જરુર હતી. ત્યારે પોલાર્ડના બોલ પર શિમરને ચોગ્ગો લગાવ્યા હતો અને બીજો બોલ નો બોલ ફેંકતા જ એક્સ્ટ્રા રન પર દિલ્હીએ જીત મેળવી હતી.
મુંબઈ ઈન્ડીયન્સની બોલિંગ
પ્રથમ વિકેટ ઝડપથી મેળવવાની સફળતા બાદ નિયમિત વિકેટ મેળવવી જાણે કે મુશ્કેલ બની ગઈ હતી. જયંત યાદવે 4 ઓવર કરીને 25 રન આપી એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવર કરીને 29 રન આપીને એક વિકેટ ઝડપી હતી. કિરોન પોલાર્ડે 1.1 ઓવર કરીને 9 આપી એક વિકેટ મેળવી હતી. તેણે અંતિમ ઓવર કરીને જેમાં તેણે નો બોલ નાંખતા જ એક્સ્ટ્રા રન સાથે જ દિલ્હીને જીત મળી હતી. જસપ્રિત બુમરાહે કટોકટીના સમયે તેની ચોથી ઓવરમાં 2 નો બોલ નાંખ્યા હતા. 4 ઓવર કરીને 32 રન આપ્યા હતા. તેણે એક વિકેટ મેળવી હતી. કૃણાલ પંડ્યાએ 2 ઓવર કરીને 17 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવર કરી 23 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ
ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઈનીંગનો દાવ લેવાનો જુગાર મુંબઇને ભારે પડ્યો હોય એવી સ્થિતી સર્જાઈ હતી. રોહિત શર્માના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા. ઓપનર ક્વિન્ટન ડી કોક ટીમના 9 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે એક રન કરીને જ સ્ટોઈનીશનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન રોહિત શર્માએ ઈનીંગને આગળ વધારી હતી. પરંતુ આક્રમક રમતનો અંત પણ બંનેની વિકેટ સાથે જ આવી ગયો હતો.
7 ઓવરના અંતે 67 રન કરીને સુર્યકુમાર યાદવના રુપમાં મુંબઈ બીજી વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. સૂર્યાએ 15 બોલમાં 24 રન કર્યા હતા. રોહિત શર્માએ 30 બોલમાં 3 છગ્ગા સાથે 44 રન કર્યા હતા. તે 76 ના સ્કોર પર આઉટ થયો હતો. આમ એક સારી રન રેટ પર રન બનાવી રહી હતી ટીમ ત્યારે જ અમિત મિશ્રાની ફિરકી બોલીંગ સામે મુંબઇ એક બાદ એક મહત્વની વિકેટ ગુમાવવા લાગ્યુ હતુ.
હાર્દિક પંડ્યા શૂન્ય રને અને કૃણાલ પંડ્યા 1 રન પર જ આઉટ થયા હતા. કિરોન પોલાર્ડ પણ 2 રન કરીને જ આઉટ થઈ ચુક્યો હતો. આમ 86 રને જ 6 વિકેટ મુંબઈએ ગુમાવીને કટોકટીની સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. જોકે બીજો છેડો ઈશાન કિશને જાળવી રાખતા નીચલા ક્રમે આવેલા જયંત યાદવ સાથે મળીને તેણે સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. કિશને 28 બોલમાં 26 રન કર્યા હતા. જયંત યાદવે 22 બોલમાં 23 રન કર્યા હતા. રાહુલ ચાહરે 6 રન કર્યા હતા.
દિલ્હી કેપીટલ્સ બોલીંગ
અમિત મિશ્રાએ મુંબઈની આક્રમક રમતને બ્રેક લગાવી દીધી હતી. તેણે રોહિત શર્મા, હાર્દીક પંડ્યા અને કિરોન પોલાર્ડની મહત્વની વિકેટોને પેવેલિયન પરત મોકલી હતી. આ સાથે જ મુંબઈની રમત ધીમી પડી ગઇ હતી. મિશ્રાએ 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
લલીત યાદવે 4 ઓવર કરીને 17 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કસ સ્ટોઇનીશે 3 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અશ્વિને 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. કાગિસો રબાડાને આજે એક પણ વિકેટ નહોતી મળી, તેણે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા. આવેશ ખાને 2 ઓવર કરીને 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.