દિલ્હીમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતનાં કારણે હાહાકાર મચી ગયો છે, દિલ્હી સરકારે જણાવ્યું કે શહેરની ઘણી હોસ્પિટલોમાં માત્ર કેટલાક કલાકો ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે, મુખ્ય પ્રધાન કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે, દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરીને જણાવ્યું કે દિલ્હીની તેગ બહાદુર હોસ્પિટલમાં માત્ર 4 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે.
સત્યેન્દ્ર જૈને ટ્વિટ કરીને લખ્યું છે કે, જીટીબી હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ છે. ઓક્સિજન ચાર કલાકથી વધુ નહીં ચાલે. 500 થી વધુ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં ઓક્સિજન પર છે. ”સર ગંગારામ હોસ્પિટલના ડો.ડી.એસ.રાણાએ જણાવ્યું કે કોરોનાના કેસોને કારણે ત્રણ ગણા ઓક્સિજનની જરૂરિયાત ઉભી થવા લાગી છે. તેમણે કહ્યું, ‘અમને આ હોસ્પિટલ માટે દરરોજ 9000-10,000 ક્યુબિક મીટર ઓક્સિજનની જરૂર પડે છે. હોસ્પિટલમાં 500 થી વધુ કોવિડ બેડ છે. અમને ઓક્સિજન સપ્લાય અંગે કેન્દ્ર અને રાજ્ય બંને તરફથી ખાતરી મળી છે.
સિયોદિયાએ ટ્વીટ કર્યું કે .”દિલ્હીની મોટાભાગની હોસ્પિટલોમાં આવતા 8 થી 12 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો પુરવઠો છે. અમે એક સપ્તાહથી દિલ્હીને ઓક્સિજન સપ્લાય ક્વોટામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છીએ, જે કેન્દ્ર સરકારે કરવાનું છે. આવતીકાલે સવાર સુધીમાં જો હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં પહોંચે તો ત્યાં હાંહાકાર મચી જશે.”