નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસનો રાફડો ફાટયો હોય તેમ દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કર્યું હતું. મોદીએ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર તૂફાન બનીને સામે આવી છે. જે પીડા દેશના લોકો સહન કરી રહ્યા છે તેનો મને અહેસાસ છે. આપણે હૌસલા અને તૈયારીઓ સાથે આ જંગ પણ જીતી જઇશું. સાથે મોદીએ એમ પણ કહ્યું કે લોકડાઉન અંતિમ વિકલ્પ છે.
રાજ્યોને સંદેશો આપતા મોદીએ કહ્યું કે જેટલુ શક્ય હોય તેટલુ લોકોમાં કોરોનાને ફેલાતો અટકાવવાની જાગૃતિ ફેલાવવામાં આવે કે જેથી દેશને લોકડાઉનથી બચાવી શકાય. હાલ દેશને કોરોનાની સાથે લોકડાઉનથી પણ બચાવવાનો છે. રાજ્ય સરકારો પણ લોકડાઉનને અંતિમ વિકલ્પ માનીને ચાલે. લોકોને અપીલ કરતા મોદીએ કહ્યું કે ઘરમાં એવો માહોલ બનાવો કે બહાર નિકળવાની જરુર જ ના પડે. હાલ લોકડાઉનને અંતિમ વિકલ્પ માનીને ચાલવું જોઇએ અને સૌથી વધુ ધ્યાન માઇક્રો કન્ટેનમેંટ ઝોન પર આપવું જોઇએ.
પીએમ મોદીએ કહ્યું કે હાલ કોરોના મહામારીને કારણે દેશમાં ઓક્સિજનની માગણી પણ વધવા લાગી છે. દરેક જરુરિયાતમંદ વ્યક્તિને ઓક્સિજન પહોંચાડવાના પુરતા પ્રયાસો સરકાર કરી રહી છે. મોદીએ રસીના પણ વખાણ કર્યા હતા, તેમણે કહ્યું કે દુનિયામાં સૌથી સસ્તી રસી હાલ ભારત પાસે છે. દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલી રહ્યો છે અને દુુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ લોકો સુધી રસી ભારતમાં પહોંચતી કરવામાં આવી છે. દરેક ૧૮ વર્ષથી વધુ વયનાને રસી પહોંચતી કરવામાં આવશે.
દરેક વ્યક્તિએ પોતાની સોસાયટીમાં જ નાની કમિટીઓ બનાવવી જોઇએ અને કોરોના મહામારી સામે પહોંચી વળવામાં જરુરી પગલાનું પાલન થાય તેની તકેદારી રાખવી જોઇએ. સાથે જ જે પણ રાજ્યોમાં પરપ્રાંતિય મજૂરો છે તેઓને વિશ્વાસ આપવામાં આવે કે તેઓની રોજગારી પર કોઇ જ અસર નહીં થવા દેવાય. શ્રમીકોને પણ રસી આપવામાં આવશે. જે દરમિયાન તેમનું દૈનિક રોજગારીનું કામકાજ પણ શરૂ જ રહેશે. જે રાજ્યોમાં હાલ અન્ય રાજ્યોના મજૂરો છે તેઓ ત્યાં જ રહે તેમને દરેક પ્રકારની સુવિધા રાજ્ય સરકારો જરુર પડશે ત્યારે પુરી પાડી આપશે.