રાજ્યમાં હાલ કોરોનાના 11000થી વધુ કેસ આવવા લાગ્યા છે. જો કે બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધુ હોવાથી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. જેને પગલે અનેક દર્દીઓ ઓક્સિજન વિના મોતને ભેટી રહ્યા છે. તેમજ અનેક જગ્યાએ કોઈ દર્દીને રીક્ષામાં તો કોઈને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવાની ફરજ પડી રહી છે. એક તરફ ઓક્સિજન વિના લોકોના મોત થઈ રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતમાં ઓક્સિજન વોર જામ્યું છે.
અમિત ચાવડા અને ધનરાજ નથવાણી વચ્ચે ઓક્સિજન વોર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી છે. અમિત ચાવડાના પત્ર બાદ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ અમિત ચાવડાનો પત્ર ટ્વિટ કરી જવાબ આપ્યો હતો. ધનરાજ નથવાણીએ ટ્વિટ કર્યું કે, રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દૈનિક 400 ટન ઓક્સિજન પુરો પાડવામાં આવે છે. જે અમારી ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતના રાજનેતા તરીકે તમે આ વાત અજાણ લાગો છે.
ખાનગી ઉત્પાદકોને 60 ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રને આપવા આદેશ
આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા કોરોના સંક્રમણ નિયંત્રણ માટે તબીબી સુવિધાઓ હેતુસર આરોગ્ય ક્ષેત્ર માટે આપવાના રહેશે.
મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલે છે
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાથી સર્જાયેલી ઓક્સિજનની તંગીના પગલે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરીમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવે છે. જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. જ્યાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે.
અત્યાર સુધીમાં 4.15 લાખ કેસ નોંધાયા અને 5 હજારથી વધુના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68,413 દર્દીની હાલત સ્થિર છે.
મેડિકલ ઓક્સિજન શું છે અને તે કેવી રીતે બને છે
- ઓક્સિજન જેને આપણે સરળ ભાષામાં પ્રાણવાયુ કહીએ છીએ. તે હવા સ્વરૂપે હોય છે. ઓક્સિજનનું રાસાયણીક સૂત્ર O2 છે અને એટોમિક નંબર 8 ધરાવે છે. ઓક્સિજનનું દર્દીના લોહીમાં પ્રમાણ વધવાની સાથે રોગ કે ચેપગ્રસ્ત ફેફસામાં લોહીના પ્રવાહમાં અવરોધરૂપ સ્થિતિને પણ ઘટાડે છે, જેથી હૃદયને ધબકવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
- કેટલાક કિસ્સાઓમાં અસ્થમા તથા ન્યૂમોનિયાની સારવારમાં ઓક્સિજન થેરાપી કરવામાં આવે છે. વાતાવરણમાં 21 ટકા ઓક્સિજન અને 78 ટકા નાઈટ્રોજન હોય છે તથા 1 ટકા અન્ય વાયુ હોય છે.
- મેડિકલ ક્ષેત્ર ઉપયોગમાં લેવામાં આવતા ઓક્સિજનને એકત્રિત કરવા ખાસ ટેકનિક હોય છે. શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત કરવા ખાસ ટેકનિકથી વાતાવરણમાંથી ઓક્સિજનને અલગ કરવામાં આવે છે. અશુદ્ધિઓને દૂર કરી ફિલ્ટર કરેલી હવાને કૂલ કરવામાં આવે છે ત્યારબાદ હવાને ડિસ્ટિલેટ કરવામાં આવે છે, જેથી ઓક્સિજનને અન્ય વાયુથી અલગ તારવીને લિક્વિડ સ્વરૂપ આપવામાં આવે છે.
- એકત્રિત કરાયેલા ઓક્સિજનની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવે છે અને વિવિધ ગ્રેડ હેઠળ પેક કરવામાં આવે છે. ત્યારબાદ આ ગ્રેડને અનેક શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમ કે વેલ્ડિંગ ઓક્સિજન, એવિએશન બ્રીથિંગ ઓક્સિજન, મેડિકલ ઓક્સિજન, રિસર્ચ ગ્રેડ ઓક્સિજન વગેરે.