20 માર્ચે સીઆર પાટીલે તમામ જાતના કાર્યક્રમો, સત્કાર સમારંભ કે મેળાવડા ન યોજવા જાહેરાત કરી હતી, ખુદ વડાપ્રધાને મંગળવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં ભીડ ન કરવા સલાહ આપી હતી. ત્યારે સુરતમાં રેમડેસિવિરની લહાણી કરનાર અને વડોદરાને એકપણ ઇન્જેકશન ન ફાળવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરામાં એક જ દિવસમાં ત્રણ કોવિડ આઇસોલેશન સેન્ટરનું ઉદઘાટન કરવાના પબ્લિસિટી સ્ટંટ સાથે પાંચ સ્થળે દંભમેળામાં ભીડ ભેગી કરી હતી અને ફોટોસેશન પણ કરાવ્યાં હતાં. કોવિડથી વડોદરાની હાલત બદતર બની રહી છે. રોજબરોજ કેસોમાં વધારો થઇ રહ્યો છે, હોસ્પિટલોમાં બેડ મળતાં નથી, ત્યારે પાટીલે ભીડ ભેગી કરી સંક્રમણ વધે એ રીતે વડોદરાને પડતા પર પાટુ મારવા જેવો ઘાટ કર્યો છે.
આઈસોલેશન વોર્ડ બનાવ્યા એ સારું, પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો એ ખોટું
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનના વિવાદમાં સપડાયેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ બુધવારે વડોદરા આવ્યા હતા અને રવિવારે આપેલી સૂચનાના ભાગરૂપે વડોદરામાં ધારાસભ્યો અને સાંસદ દ્વારા તૈયાર કરાવેલા નમો આઇસોલેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.
કારેલીબાગ અંબાલાલ પાર્ક: ટીમ વડોદરા દ્વારા ફ્રીડમ ગ્રુપના સહયોગથી પ્લાઝમા રજિસ્ટ્રેશન કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું અને આ ટાણે ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરોની ભીડ જામી હતી, ત્યાં ઉપસ્થિત એક મેડિકલ કર્મચારીએ ટકોર પણ કરી હતી કે હવે કોરોના ક્યાંથી જાય?
મિલન પાર્ટી પ્લોટ: ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 100 બેડની વ્યવસ્થા છે અને ત્યાં પ્રદેશ-પ્રમુખ સાથે ફોટો પડાવવા માટે કેટલાક કોર્પોરેટરો અને આગેવાનોએ ધસારો કર્યો હતો અને એને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી ગયા હતા. આવી જ ભીડ રોડ પર પણ જામતાં ગાડીમાં બેસતાં બેસતાં પણ સી. આર. પાટીલને ફોટોસેશન કરાવવું પડ્યું હતું.
માઇ શાનેન સ્કૂલ: ખોડિયારનગર પાસે આવેલી સ્કૂલમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડો.ભરત ડાંગર દ્વારા પ્રાયોજિત નમો હોમ આઇસોલેશન સેન્ટરના રૂમોમાં કરાયેલી બેડ ,પુસ્તકો, ઇન્ડોર ગેમ્સની સ્થિતિનું સી. આર. પાટીલે મૂલ્યાંકન કર્યું હતું અને ત્યાં પણ આ ભીડ જામી હતી.
માંજલપુર વ્રજધામ સંકુલ: વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં અતિથિ ભવન ખાતે 75 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત કરાયું હતું તેમજ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 250 ઓક્સિજન મશીન આપવાનું ઉદઘાટન કર્યું હતું. અહીં નેતાઓની ભીડ કરી ફોટોસેશન કરાવ્યું હતું.
પોલિટેક્નિક કેમ્પસ: સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરની પણ સમીક્ષા કરવા સી. આર. પાટીલ મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો, સાંસદ, મેયર સહિતના પાલિકાના પદાધિકારીઓ, શહેર પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારોના કાફલાને લઈને પહોંચ્યા હતા અને ત્યાં ડો.વિનોદ રાવ સાથે ચર્ચા પણ કરી હતી.
12મીએ જ મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરાયો હતો
રાજ્ય સરકારના ગૃહ વિભાગે તા.12 એપ્રિલે એક જાહેરનામું જારી કર્યું હતું અને એ મુજબ જાહેરમાં રાજકીય સામાજિક ધાર્મિક કાર્યક્રમો સત્કાર સમારંભ જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેનો ભંગ કરનારા સામે પોલીસ તંત્ર તરફથી જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકીય મેળાવડા સામે કેમ કાર્યવાહી કરાતી નથી એવો સવાલ આમ જનતાને થઇ રહ્યો છે.