અમદાવાદમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે, ત્યારે આક્રમક ટેસ્ટીંગ થાય તે બાબત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રેપિડ-એન્ટીજન ટેસ્ટની કીટની તંગી હોવાની બાબત સપાટી ઉપર આવી છે. ગઇકાલે અને આજે મ્યુનિ.ના ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કીટની તંગી હોવાના કારણે ટેસ્ટીંગની કામગીરી વહેલી બંધ કરી દેવી પડી હતી, જેના કારણે લાઇનમાં ઊભેલા લોકોને નિરાશ થઇને પાછા ફરવું પડયું હતું.
આ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર જ્યાં ૨૦૦ કીટ અગાઉ આપવામાં આવતી હતી ત્યાં હાલ ૫૦ કે ૬૦ કીટો જ આપવામાં આવે છે. આજે સવારના ૧૧.૧૫ વાગ્યે નિકોલના કલ્યાણ ડોમમાં કીટ આવી જ ના હતી, વી.એસ.ની નજીક પણ આવી જ સ્થિતિ હતી. રાણીપ અને ન્યુ રાણીપમાં પણ ટેસ્ટ માટેની લાઇનો હતી અને બીજી તરફ કીટ નહોતી. ગોતાના ડોમમાં ૨૦૦ના બદલે માત્ર ૫૦ કીટ જ અપાઇ હતી. આ અંગે એમઓએચને પૂછતા તેઓ મૌન રહ્યાં હતા. જ્યારે અન્ય સૂત્રોમાંથી જુદી જુદી વિગતો મળતી હતી. એક અધિકારીએ કહ્યું કે, હા કીટની તંગી બે દિવસથી છે. જ્યારે બીજા અધિકારીએ જણાવ્યું કે કીટની સંખ્યા કરતાં ટેસ્ટ કરાવવા આવનારા લોકોની સંખ્યા વધુ હોવાથી કીટ ઘટે છે.
જ્યારે રોગચાળો પરાકાષ્ટાએ છે ત્યારે જ કીટ ઘટવાની બાબત અંગે કેટલાંક તો એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ઓછા કેસો બતાવવા તો ટેસ્ટ ઘટાડાયા નથી ને ? જોકે રેપિડમાં પોઝિટિવ આવનારા અને ઘેર બેઠાં સારવાર લેનારા દર્દીઓને કુલ કેસોની ગણતરીમાં લેવાય છે કે નહીં તે જ મોટો સવાલ છે. એક-એક ઝોનમાં ૧૯ થી ૨૦ હજાર લોકોના ટેસ્ટ બે દિવસ પહેલાં થતા હતા, તેમાં હાલ ઘટાડો છે. મ્યુનિ. તંત્ર આંકડાની ગોલમાલ કરવામાં અત્યંત માહિર હોવાની છાપ ઉપસી હોવાથી ખરેખર કીટ ઘટી છે કે ઘટાડી દેવામાં આવી છે, તે સવાલ હજુય અનુત્તર છે.